Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

૨૪ કરોડ બાળકોના શિક્ષણ પર જોખમ

શિક્ષણ ક્ષેત્રમાં ઘેરૂ બન્યુ છે વેતન સંકટ

શાળાઓ પોતાનો નફો છોડવા નથી તૈયાર

નવી દિલ્હી,તા.૧૧ શિક્ષણજગત પર પડી રહેલા કોરોનાના મારની અસર હવે બહુ ગંભીર બનતી જાય છે. કોરોના સંક્રમણથી બચવા અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને દેશભરમાં શરૂ થયેલ ઓનલાઇન કલાસની પહેલ પણ હવે નબળી પડતી દેખાઇ રહી છે. નાના શહેરોમાં શાળાઓ વાલીઓ દ્વારા ફી ન આપતા પરેશાન છે, તો મોટા શહેરમાં વાલીઓ ફીમાં કોઇ છુટ ન મળવાથી પરેશાન છે. ખાનગી શાળાોઓમાં શિક્ષકોની નોકરીઓ જઇ રહી છે, પગાર ઘટી રહ્યા છે. તો સરકારી ક્ષેત્રમાં પણ પગારનું સંકટ દેખાઇ રહ્યું છે.

ઓગષ્ટના પહેલા સપ્તાહ સુધી કેન્દ્રીય યુનિવર્સિટીઓના શિક્ષકોને જુલાઇનો પગાર નહોતો મળ્યો. વાત આ બે યુનિવર્સિટીઓ સુધી જ સીમીત નથી. દિલ્હી યુનિવર્સિટી હેઠળ આવતી ૧૨ કોલેજના પ્રોફેસરો તથા સ્ટાફને ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો. તેમનો પગાર દિલ્હી સરકાર માંથી આવે છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદીયાનું કહેવું છે કે પાંચ વર્ષમાં ૭૦ ટકા બજેટ વધારવા છતાં કર્મચારીઓને પગાર નથી મળી રહ્યો તો તે  ભ્રષ્ટાચારનો સંકેત છે. ઘણી ખાનગી કોલેજોએ તો સ્ટાફમાં કાપ પણ મુકી દીધો છે.

સરકારી શાળાઓના શિક્ષકોને ઘણાં રાજ્યો બીજા કામમાં લગાડી દીધા છે. દાખલા તરીકે ઝારખંડમાં શિક્ષકોએ ઘેર-ઘેર જઇને રાશન વહેંચવું પડે છે. તો ખાનગી શાળાની કહાણી કંઇક અલગ જ છે. દેશના લગભગ અડધાથી વધારે બાળકો આ શાળાઓમાં ભણે છે. આ શાળાઓનું કહેવું છે કે તેઓ શિક્ષકોને પગાર નથી આપી શકતા કેમકે વાલીઓ ફી નથી ભરતા. ઘણી શાળાઓએ શિક્ષકો ઓછા કર્યા છે અથવા તેમનો પગાર કાપ્યો છે તેમ છતાં તેઓ વાલીઓ પાસે પુરી ફી ની માંગણી કરે છે. એટલું જ નહીં કેટલીક શાળાઓએ તો બાળકોને ઘેરથી લાવવા લઇ જવા માટે લેવાતી ટ્રાન્સપોર્ટેશન ફી ની પણ માગણી કરી છે. વિરોધ અને સરકારી દાખલાના કારણે તેમણે પોતાની આ મનમાની બંધ કરવી પડી છે.

જો કે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ખાનગી શાળાઓએ ફી માં પચાસ ટકાનો ઘટાડો કર્યો છે. તેમ છતાં વાલીઓ ફી નથી ભરતા. પરિણામે શાળાઓ પણ ધીમે ધીમે ઓન લાઇન શિક્ષણમાં રસ ઘટાડી રહી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકટીવીટી, સ્માર્ટ ફોન અથવા કોમ્પ્યુટરની ઉપલબ્ધતાની પણ સમસ્યાઓ છે.

(3:27 pm IST)