Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કોરોનાની ઐસી કી તૈસીઃ સહેલાણીઓ સાતમ-આઠમમાં ફરવા નીકળી પડયા

સાસણ, દિવ, માઉન્ટ આબુ તથા ઉદયપુર તરફ પ્રવાસીઓનો ધસારોઃ ૭૦ થી ૮૦ ટકા જેટલા બુકીંગ સાંભળવા મળ્યા

રાજકોટઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોનાને કારણે (કોવિડ-૧૯) કોરોનાને કારણે છેલ્લા ચારેક મહિનાથી  સતત લોકડાઉન તથા અનલોક દરમિયાન લોકો  ફરજીયાત પણે મોટેભાગે ઘરમાં જ રહી રહયા છે. બને ત્યા સુધી બહાર નીકળતા નથી. ટુરીઝમ ક્ષેત્રને પણ મરણતોલ ફટકો પડયો છે.

આ બધા જ પરીબળો વચ્ચે હાલના સાતમ-આઠમના તહેવાર દરમિયાન કોરોનાની ઐસી કી તૈસી કરીને ફરવાના શોખીન સહેલાણીઓ સાસણ-દીવ- માઉન્ટ આબુ તથા ઉદયપુર બાજુ ટહેલવા નીકળી પડયા છે. ટ્રાવેલ માર્કેટમાંથી જાણવા મળતી માહીતી મુજબ આ ચારેય જગ્યાઓ ઉપર વિવિધ  હોટલો, રિસોર્ટ,ગેસ્ટ હાઉસ, પ્રાઇવેટ ફાર્મ હાઉસ કે ઘર ઘરાઉ રહેવાની વ્યવસ્થા આપતા સ્થળો ઉપર ૭૦ થી ૮૦ ટકા જેવુ બુકીંગ થયુ હોવાનું જાણવા મળે છે.

સાસણ, દિવ, આબુ તથા ઉદયપુર ખાતે રહેવાની ફેસેલીટી પ્રમાણે  તથા હોટલની સ્ટાર કેટેગરી પ્રમાણે ત્રણ થી છ હજાર રૂ.માં કપલ દીઠ એક રાત્રીના પેકેજ બુક થયા હોવાનું રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્ટ જણાવે છે. રાજસ્થાનના ઉદયપુર ખાતે ફાઇવ સ્ટાર હોટલના બ્રેકફાસ્ટ સાથેના એક રાત્રીના કપલ પેકેજ ૭ હજાર રૂ. સુધી બુક થયા હોવાનું જાણવા મળે છે.

અનલોક દરમિયાન સરકારશ્રી દ્વારા નીતી-નિયમોના પાલન સાથે હોટલ તથા રીસોર્ટ, રેસ્ટોરન્ટ ખોલવાની મંજુરી આપવામાં આવી છે ત્યારે સતત કોરોનાના ભયથી કંટાળીને સહેલાણીઓએ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ફરવાના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર દોડ મુકી હોવાનું દેખાઇ રહયું છે. જો કે એક વાત નકકી છે કે કોરોનાથી બચવા માટેના વિવિધ ઉપાયો જેવા કે માસ્ક પહેરવું, સેનીટાઇઝરનો ઉપયોગ, સોશ્યલ ડિસ્ટન્સીંગ વિગેરેનું અચુક પાલન કરવું જરૂરી જણાય રહયું છે. કોઇપણ જગ્યાએ ફરવાના સ્થળો ઉપર આ બાબતનું અચુક ધ્યાન રાખવું હિતાવહ છે. સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ...જયશ્રી કૃષ્ણ.

(3:25 pm IST)