Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સીસીધારકો અન્ય બેંકમાં ખાતુ ખોલાવી નહિ શકે

અન્ય બેંકમાં વેપારીનું કરન્ટ ખાતું હશે તો ખાતેદારે ફરજિયાત બંધ કરાવવું પડશે : આરબીઆઇની આ જોગવાઇ વેપારીઓ અને ઉધોગકારોની મુશ્કેલી વધારશે

મુંબઇ,તા.૧૧ : તાજેતરમાં આરબીઆઈ દ્વારા ખાતેદારો સંબંધિત નવા સુધારા જાહેર કર્યા છે. જેમાં સીસી (કેશ ક્રેડિટ) તથા ઓડી (ઓવર ડ્રાફ્ટ) જેવી બેંક ફેસિલિટી ધરાવતા વેપારીઓ-ઉધોગકારો સંબંધિત સુધારો કર્યો છે. આ પ્રકારની સુવિધા ધરાવનાર ખાતેદારો અન્ય બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી શકશે નહિ તે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે.

જાણકારો મુજબ, આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે, ખાતેદારે કરન્ટ એકાઉન્ટ ખોલાવતા સમયે જે તે બેંકમાં બાંયધરી આપવી પડશે. ખાસ કરીને વેપારી- ઉદ્યોગકાર દ્વારા અન્ય કોઈ બેંકમાંથી સીસી કે ઓડીની સુવિધા લેવામાં આવશે તો, તેમના દ્વારા અન્ય બેકમાં કરન્ટ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. ઉપરાંત ખાતેદાર દ્વારા મેળવવામાં આવતી ટર્મલોનનું ચુકવણું પણ ખાતેદારના એકાઉન્ટમાં આપવાના સ્થાને જે તે પેઢીને સીધું કરવામાં આવશે.

ખાતેદારો- વેપારીઓ- ઉદ્યોગકારો માટે આ જોગવાઇ નુકસાનકર્તા માનવામાં આવી રહી છે. ખાસ કરીને ઉધોગકારો-વેપારીઓના વેપાર કરવાની સ્વતંત્રતા પર તરાપ સમાન ગણાવામાં આવી રહી છે. ખાતેદાર પાસે આધારકાર્ડ-પાનકાર્ડ સહિતની વિગતો મેળવવામાં આવે છે. વેપારી-ખાતેદાર દ્વારા તમામ વ્યવહારો સાથેના રિટર્ન ફાઇલ કરવામાં આવે છે. આ તબક્કે આ પ્રકારે વેપારીની કામગીરીને અવરોધતી જોગવાઇને લઇ મિશ્ર પ્રતિક્રિયા ઉઠવા પામી છે. આજોગવાઇ નાની બેંકો માટે મુશ્કેલી વધારનારી પણ લેખાવાઇ રહી છે.

બેંકો માટે આવકાર્ય પરંતુ, સ્પષ્ટતા જરૂરી

જે બેંકો કેશ કેડિટ કે ઓવરડ્રાફટ મંજૂર કરે તે બેંકને ખાતેદારના એકાઉન્ટની ગતિવિધિઓ મળતી રહે તે માટે આ સુધારો કરાયો હોવાનું જણાય છે. ખાસ કરીને સીસી ઓડીની સુવિધા મેળવનારે બાંહેધરી આપવાની હોય છે કે. તેઓની અન્ય કોઇ બેંકમાં લિમિટ ચાલતી નથી. ઘણી બેંકો દ્વારા પહેલેથી જ બાંહેધરી મેળવવામાં આવે છે અને તેમની બેંકમાં જ ખાતુ કાર્યરત રહે તે પ્રમાણેનો આગ્રહ રાખવામાં આવે છે. હવે. આ મુજબનો સુધારો તંત્ર દ્વારા કરાયો છે. જો કે કોઇક કિસ્સામાં ખાતેદાર અન્ય બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે બેંકનુ એનઓસી મેળવતો હોય છે. હવે. આ સુધારા બાદ ખાતેદારને આ મુજબનું એનઓસી આપી શકાશે કે નહિ  તે અંગે સ્પષ્ટતા નથી.

(બેકિંગ ક્ષેત્રના તજજ્ઞ)

ઉદ્યોગકારો-બેંકોની મુશ્કેલી વધશે

સરકાર દ્વારા કરવામાં આવતા સુધારા નીતિ સરળ બનાવનારા હોવા જોઇએ. જયારે હાલમાં કરવામાં આવેલો સુધારો તો વેપાર-ઉધ્યોગની પ્રવૃત્તિમાં અડચણ વધારનારો જણાય રહ્યો છે. ખાતેદાર દરેક એકાઉન્ટ સાથે પાનકાર્ડ, આધારકાડની વિગતો આપે છે. જે મુજબની વિગતો રિટનમાં ફાઇલ કરે છે. તંત્ર આધારકાર્ડ અને પાનકાર્ડ આધારે દરેકની ફાઇનાન્સિયલ વિગતો મેળવી જ શકે છે. આ તબક્કે આ પ્રકારનો અંકુશ અવરોધ પેદા કરનારો છે. ખાસ કરીને વેપારીઓ-ઉદ્યોગકારો તેમની સરળતા ખાતર તથા ઝડપથી ક્રેડિટ મળી જાય તે માટે વિવિધ બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હોય છે. આ પ્રકારની જોગવાઇથી ખાતેદારને ક્રેડિટ મોડી મળશે. ઉપરાંત નાની બેંકોની પણ મુશ્કેલી વધશે.  (સીએ)

જોગવાઇમાં હજુ ઘણી અસ્પષ્ટતા

આરબીઆઇ દ્વારા જાહેર થયેલી માર્ગદશિકામાં હજુ ઘણા મુદ્દે સ્પષ્ટતા થતી નથી ખાસ કરીને ખાતેદાર તે જ બેંકમાં કે અન્ય બેંકમાં ખાતું ખોલાવી શકે નહિ? તે અંગે સ્પષ્ટતા નથી. ઘણી વખત સીસી'ઓડી એકાઉન્ટના નાણા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવાતા હતા. કેટલાક કિસ્સામાં ડાયવર્ઝન ઓફ ફંડસનો દુરપયોગ ધ્યાને આવ્યો હતો. ઉપરાંત કેટલાક કિસ્સામાં ફાઇનાન્સ સંસ્થાઓ દ્વારા પણ સીસી'ઓડીના નાણા નિધારિત મુદતે કરન્ટ કે સેવિંગ્સમાં ટ્રાન્સફર, કરાવી ટોર્ગેટ પુરા કરી 'કાઇટ ફલાઇંગ' થી  ઓળખાતા બેનિફિટ લેવાતા હતા. આ - બાબતો પર અંકુશ મુકવા માટે આપ્રકારનો સુધારો કરાયો હોવાનું જણાય છે. જો કે વેપારીઓને વેપારમાં મળતી સ્વતંત્રતા પર એક પ્રકારે અંકુશ મુકવામાં આવ્યો હોવાનું પણ રપષ્ટ થાય છે.(સીએ)

(11:49 am IST)