Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

વ્હાઇટ હાઉસની બહાર ફાયરીંગ : ટ્રમ્પે અધવચ્ચે છોડવી પડી બ્રિફિંગ

ફાયરિંગની જાણ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા

 

વોશિંગ્ટન તા. ૧૧ : વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટના ઘટી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીતમાં આ વાતની જાણકારી પણ આપી. તેમણે જણાવ્યું કે વ્હાઈટ હાઉસની  બહાર ફાયરિંગની સૂચના મળી છે. જો કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરી જેનાથી ફાયરિંગ કરનાર વ્યકિતને કાબૂમાં કરાયો. તેમણે કહ્યું કે ફાયરિંગ કરનારા વ્યકિતને ગોળી વાગી છે. તેને હોસ્પિટલ લઈ જવાયો છે. ફાયરિંગની જાણ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાં. ટ્રમ્પે સિક્રેટ સર્વિસના અધિકારીઓનો તેમની કાર્યવાહી માટે આભાર પણ માન્યો. ફાયરિંગની ઘટના ઘટી ત્યારે ટ્રમ્પ વ્હાઈટ હાઉસની અંદર પ્રેસ બ્રિફિંગ કરી રહ્યાં હતાં.

મળતી માહિતી મુજબ અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટનાની જાણકારી ટ્રમ્પે પોતે આપી. કહેવાય છે કે તે વખતે વ્હાઈટ હાઉસની અંદર પ્રેસ બ્રિફિંગ ચાલતી હતી. ફાયરિંગના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની બ્રિફિંગ પણ પ્રભાવિત થઈ. થોડા સમય માટે તેમને પોડિયમથી ઉતરવાનું કહેવાયું હતું. જો કે બહુ જલદી સિક્રિટ સર્વિસના અધિકારીઓએ કાર્યવાહી કરતા આરોપીને ગોળી મારી. તેને હોસ્પિટલ લઈ જવાયો છે જેની જાણકારી ટ્રમ્પે પોતે આપી.

ફાયરિંગની ઘટનાની પુષ્ટિ યુએસ સિક્રેટ સર્વિસ તરફથી કરાઈ છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે ૧૭મી સ્ટ્રિટ અને પેન્સિલ્વેનિયા એવન્યુમાં થયેલા શૂટિંગમાં એક અધિકારી સામેલ હતો. 

ફાયરિંગની ઘટના અગાઉ પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કોરોના સંકટને લઈને પોતાની વાત  રજુ કરી. ટ્રમ્પે કહ્યું કે અમે  લગભગ ૬ કરોડ ૫૦ લાખ લોકોના ટેસ્ટ કર્યા છે. કોઈ પણ દેશ તે સંખ્યાની નજીક નથી. એક કરોડ ૧૦ લાખ ટેસ્ટની સાથે ભારત બીજા સ્થાને હશે. ટ્રમ્પે કહ્યું કે મને વિશ્વાસ છે કે કોરોના સામેની લડાઈમાં આ વર્ષના અંત સુધીમાં અમારી પાસે તેની રસી જરૂર હશે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન ચીન પ્રત્યે નારાજગી પણ વ્યકત કરી. નિશાન સાધતા કહ્યું કે ચીને જે કર્યું તેના કારણે અમે તેના પર નારાજ છીએ. જો હું ફરી ચૂંટણી જીતીશ તો પ્રમાણિકતાથી કહું છું કે ઈરાન એક મહિનાની અંદર આપણી સાથે  ડીલ કરશે. મને નથી ખબર કે અમે ચીન સાથે કોઈ સમાધાન કરવા માંગીએ છીએ.

(9:54 am IST)