Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

કાશ્‍મીરમાંથી કલમ -૩૭૦ નાબુદ થયા બાદ કયાંક આવકાર કયાંક હજુ વિરોધ જારી : શ્રીનગરના નૌસેસ વિસ્‍તારમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા

શ્રીનગર : ભારતશાસિત કાશ્મીર ઉપરાંત જમ્મુના પૂંછ, રાજૌરી, ડોડા તથા કિશ્તવાડ જેવા વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે 144ની કલમ લાગુ રહી હતી.

સરકારનું કહેવું છે કે માત્ર કલમ-144 હેઠળ નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ અમુક સ્થળોએ કર્ફ્યુ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

સરકારે ઈદના અનુસંધાને અમુક નિયંત્રણો હળવા બનાવ્યાં છે, પરંતુ જે વિસ્તારમાં વારંવાર વિરોધપ્રદર્શન થાય છે, ત્યાં સઘન નાકાબંધી છે.

શ્રીનગરના સૌરા વિસ્તારમાં ભારે વિરોધપ્રદર્શન થયાં હતાં, ભારત સરકારે તેને 'નાનાં-મોટાં' પ્રદર્શન ગણાવ્યાં, પરંતુ જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો જુમાની નમાઝ પછી મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

સૌરાની સૌથી મોટી હૉસ્પિટલ શેર--કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાઇન્સિઝથી ઈદગાહ તરફ જતાં રસ્તે અડધા કલાકમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. આ લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.

શરૂઆતમાં તો સુરક્ષાબળોએ તેમને જવા દીધા, પરંતુ બાદમાં સુરક્ષાબળોએ બળપ્રયોગ કર્યો હતો.

શરૂઆતમાં પોલીસે હવામાં ફાયરિંગ કર્યું, બાદમાં પેલેટ ગનનો ઉપયોગ કર્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

અમે જોયું કે સૌરા ઇન્સ્ટિટ્યૂટમાં બે મહિલા સહિત આઠ ઘાયલોને લઈ જવાયાં. એક યુવકને પગમાં ગોળી લાગી હતી તથા અન્યોને પેલેટ ગનની ગોળીઓ વાગી હતી.

જોકે, જમ્મુ અને કાશ્મીરના પોલીસવડા દિલબાગ સિંહે કહ્યું કે શનિવારે પ્રદેશમાં હિંસાની એક પણ ઘટના નથી ઘટી. શનિવારે મીડિયામાં વિરોધ પ્રદર્શનના અહેવાલ બાદ આ પ્રતિક્રિયા આવી છે.

પોલીસવડા સિંહે જણાવ્યું કે લોકોની અવરજવર અને સંચારમાધ્યમો પર લગાવાયેલો પ્રતિબંધ ધીમેધીમે હઠાવાઈ રહ્યો છે.

(11:52 am IST)