Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

જાહેરમાં હંગામો મચાવતા- તોડફોડ કરનારા પોતાનું ઘર સળગાવી જોવે

દેખાવો-વિરોધ પ્રદર્શન દરમ્યાન તોડફોડ-સંપતિને નુકસાન પહોંચાડનારાઓ સામે સુપ્રિમ કોર્ટ નારાજઃ વિરોધ પ્રદર્શન દરમ્યાન તોડફોડની ઘટનાને કોર્ટે ગંભીર ગણાવીઃ ટુ઼ક સમયમાં જારી થશે દિશા-નિર્દેશો

નવીદિલ્હી તા.૧૧: સુપ્રિમ કોર્ટે દેશભરમાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન દરમ્યાન સાર્વજનિક અને ખાનગી સંપતિઓને નુકસાન પહોંચાડવાની ઘટનાઓને ચિંતાજનક ગણાવી છે. શુક્રવારે સુપ્રિમ કોર્ટે આવા અરાજક તત્વો સામે સખ્તાઇથી કામ લેવાનું પોલીસને કહયું છે.

અદાલતે આ બાબતે કહયું કે હીરો બનવા માટે જે લોકો બીજાની સંપતિઓને નુકસાન કરે છે તે પોતાનું ઘર સળગાવી બતાવે.

મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં જસ્ટીસ એ એમ ખાનવીલકર અને ડી.વાય. ચંદ્રચુડની ખંડપીઠે કહયું કે વિરોધ પ્રદર્શન કરવા માટેના નિયમો-કાયદાઓ પર તે દિશા-નિર્દેશ બહાર પાડશે. કોર્ટ હવે આ બાબતે સંબંધિત કાયદામાં ફેરફાર માટે સરકારની રાહ નહીં જુએ.

થોડા દિવસ પહેલા દિલ્હી અને કેટલાક અન્ય સ્થાનો પર કાવડીયા દ્વારા કરાયેલ તોડફોડની ઘટનાઓ પર ચિંતા વ્યકત કરતા સુપ્રિમ કોર્ટે કહયું કે કોઇપણ તોડફોડ કરે અથવા કાયદો હાથમાં લે તો સખત પગલા લેવાવા જોઇએ. આ પહેલા ભુતપૂર્વ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે ખંડપીઠને જણાવ્યું કે ગુંડાગીરી, તોફાન કે રમખાણની ઘટનાઓ માટે તે વિસ્તારના એસ.પી.ની જવાબદારી નક્કી કરવી જોઇએ. રોજેરોજ દેશમાં કોઇને કોઇ જગ્યાએ તોફાનો થાય જ છે. પછી તે મરાઠા આરક્ષણ આંદોલન હોય, અનુસુચિત જાતિ-જનજાતિ આંદોલન હોય કે પછી હમણાં જ થયેલી કાવડીયાઓની હિંસક ઘટના હોય.

કાવડીયાઓ પર કોર્ટ ગુસ્સે

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કાવડીયાઓના તોફાન અને મારામારીની ઘટનાઓ જોતા સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. એટલે જ શુક્રવારે કોર્ટે રાજયોની પોલીસને આદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનાર કાવડીયાઓ પર સખ્ત કાર્યવાહી કરે. ઉલ્લેખનીય છે કે કાવડીયાઓએ દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુઝફફરનગર, સહારનપુર, ગ્રેટરનોએડા, ગાઝીયાબાદ, બુલંદશહેર જેવી જગ્યાઓએ બહુ તોફાનો કર્યાં હતા. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કહયું કે જે લોકો બીજાની સંપતિઓને નુકસાન કરે છે તે પોતાનું ઘર કેમ નથી સળગાવતા. એટર્ની જનરલે કહયું કે ફિલ્મ પદ્માવત રીલીઝ થવાની હતી ત્યારે એક સંગઠને તે ફિલ્મની અભિનેત્રીનું નાક કાપવાની ધમકી આપી હતી. તે બાબતે એક એફઆઇઆર પણ દાખલ નહોતી થઇ.

૨૦૦૯માં કરાયેેલ દિશાનિર્દેશો

સુપ્રિમ કોર્ટે ૨૦૦૯માં વિરોધ પ્રદર્શનો બાબતે દિશાનિર્દેશ બહાર પાડયાં હતા, જેમા કહેવાયું હતુ કે કોઇપણ પ્રદર્શન દરમ્યાન કોઇપણ સાર્વજનિક કે ખાનગી સંપતિને નુકસાન થાય તો તેના માટે આયોજકોને જવાબદાર ગણવામાં આવશે. ખંડપીઠે એવો પણ આદેશ આપ્યો હતો કે પોલીસ પ્રશાસન આવા પ્રદર્શનોની વીડિયોગ્રાફી કરે.

અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઇએ

એટર્ની જનરલે કહયંુ કે સંબંધીત અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઇએ. તેમણે કહયું કે દિલ્હીમાં જયારે એવો નિર્ણય લેવાયો કે અનધિકૃત બાંધકામ માટે જે તે વિસ્તારના ડીડીઓના અધિકારીઓ જવાબદાર ગણવામાં આવશે તો અનધિકૃત બાંધકામમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત વીડિયો રેકોર્ડીંગના કારણે સ્થિતિમાં વધારે સુધારો નોંધાયો છે. વેણુગોપાલે કહયું કે પ્રદર્શનો માટેના કાયદામાં ફેરફાર કરવાનું સરકાર વિચારી રહી છે. આ બાબત પર ટીપ્પણી કરતા ખંડપીઠે કહયું કે અમે તે ફેરફારની રાહ નહીં જોઇએ.(૧.૫)

(11:38 am IST)