Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વાહ ભૈ વાહ...સરકારી બાબુઓનું પ્રમોશન- પગાર પબ્લીકે આપેલા ગ્રેડીંગનાં આધારે નક્કી થશે

નવી સિસ્ટમ આવે છેઃ નવા નાણાકીય વર્ષથી અમલ થશેઃ પબ્લીક ડીલીવરીમાં સરકારી કામકાજનું મૂલ્યાંકન સૌથી સારી રીતે લોકો જ કરી શકે છે

નવી દિલ્હી, તા. ૧૧ :. સરકારી કામ દરમ્યાન સામાન્ય માણસોનો અનુભવ કેવો રહ્યો છે અને તે અધિકારીઓ અને કર્મચારીઓને કેવા પ્રકારનો ગ્રેડ આપે છે તે જાહેર કરવામાં આવશે. સામાન્ય માણસો તરફથી મળેલ ગ્રેડ અધિકારીઓની બઢતીથી લઈને વેતન વૃદ્ધિ સુધીને અસર કરશે.

કેન્દ્ર સરકાર આ દિશામાં એક નવી સીસ્ટમ લાગુ કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર પીએમઓના આદેશથી આનુ ફોર્મેટ તૈયાર કરી દેવાયું છે. આવતા નાણાકીય વર્ષથી તેને અમલી કરી દેવાશે.

નવી સીસ્ટમ લાગુ કરવા પાછળનો તર્ક એવો છે કે સરકારી કામકાજનું સાચુ મૂલ્યાંકન સામાન્ય પ્રજા જ કરી શકે જેને આ કામકાજ માટે પનારો પડયો હોય. ડીઓપીટી અધિકારીઓ અનુસાર પબ્લિક ફીડબેકની સીસ્ટમ અત્યારે પણ છે જ પણ તે વ્યવસ્થિત નથી. આ કારણે લોકો તેમા રસ નથી લેતા. સાથે જ સ્પષ્ટ રીતે ગ્રેડીંગ અને માર્ક આપવાની પદ્ધતિ પણ નથી હવે નવા ફોર્મેટમાં અધિકારીને ગ્રેડ અને માર્ક આપવાની વ્યવસ્થા હશે. અધિકારી અને કર્મચારીના રેકોર્ડમાં તેની નોંધ કરવામાં આવશે. ડીઓપીટી સૂત્રો અનુસાર આવતા વર્ષોમાં આ ગ્રેડના આધારે અધિકારીઓનું માર્કિંગ કરવામાં આવશે. એટલે કે કેન્દ્રીય ઓફિસોમાં કોઈ અધિકારી કે કર્મચારી ફાઈવ સ્ટાર છે કે વન સ્ટાર તે આપણે પહેલાથી જ જાણી શકીશું. હકીકતમાં સાતમા પગાર પંચમાં તેમના કામની સમીક્ષા અને કામકાજ સુધારવા માટે ઘણા બધા સૂચનો અપાયા હતા. આ પણ તે સૂચનોનો અમલ કરવાની દિશામાં  એક પ્રકારની પહેલ છે.(૨-૨)

(11:37 am IST)