Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઇમરાન ખાન ૧૮મીએ શપથ ગ્રહણ કરશે : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોને આમંત્રિત કર્યા

ઈસ્લામાબાદ તા. ૧૧ : પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાન ૧૮મી ઓગસ્ટે પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવાના છે. શપથવિધિ સમારોહમાં હાજર રહેવા માટે ભારતના દંતકથાસમા ભૂતપૂર્વ ક્રિકેટરો – સુનીલ ગાવસકર, કપિલ દેવ અને નવજોત સિંહ સિધુને આમંત્રિત કરવામાં આવ્યા છે, એમ પક્ષના પ્રવકતાએ આજે જણાવ્યું છે.

પીટીઆઈ પાર્ટીના અતિરિકત માહિતી સચિવ જાવેદ ખાને કહ્યું છે કે શપથવિધિ સમારોહમાં ઈમરાન ખાનની ૧૯૯૨ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોને પણ હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટરોને આમંત્રિત કરવાની આ જ પ્રકારની જાહેરાત અગાઉ પીટીઆઈના માહિતી સચિવ ફવાદ ચૌધરીએ કરી હતી, પણ બાદમાં પાર્ટીએ જણાવ્યું હતું કે એણે ઈમરાન ખાનનો શપથવિધિ સમારોહ સાદાઈથી ઊજવવાનું નક્કી કર્યું છે તેથી કોઈ પણ વિદેશી હસ્તીઓને આમંત્રિત કરવામાં નહીં આવે.

પીટીઆઈના સંસદસભ્ય ફૈસલ જાવેદદે પણ ટ્વીટ કર્યું છે કે પાર્ટીએ સુનીલ ગાવસકર, કપિલ દેવ અને સિધુને શપથ વિધિ સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું છે.

જાવેદે ટ્વીટમાં કહ્યું છે કે ઈમરાન ખાન ૧૮ ઓગસ્ટે વડા પ્રધાન તરીકે શપથ લેશે. પાકિસ્તાનના પ્રમુખ મમનૂન હુસૈને ૧૩ ઓગસ્ટે રાષ્ટ્રીય ધારાસભાનું સત્ર બોલાવ્યું છે. એ વખતે સંસદમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. પીટીઆઈ સંસદીય સમિતિએ ઈમરાન ખાનને સંસદીય નેતા તરીકે અને પાકિસ્તાનના નવા વડા પ્રધાન માટેના ઉમેદવાર તરીકે ગયા સોમવારે સત્તાવાર રીતે ચૂંટી કાઢ્યા હતા.(૨૧.૪)

(10:26 am IST)