Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

હવે મરાઠાઓ ચૂલા બંધ આંદોલન કરશે, એ દિવસે અન્નત્યાગ કરવામાં આવશે

અનામતની માંગણીસર નવતર વિરોધ

મુંબઇ, તા. ૧૧ : મરાઠા આરક્ષણની માગણી સાથે ગુરૂવારે રાજયવ્યાપી બંધ બાદ હવે ૧પ ઓગસ્ટથી મરાઠા સમાજ 'ચૂલા બંધ' આંદોલન કરીને અન્નત્યાગ કરશે. મરાઠા સમન્વય સમિતિની ગઇકાલે પુણેમાં થયેલી બેઠક બાદ આ એલાન કરવામાં આવ્યું હતું.

મરાઠા સમાજે પોતાની માગણીઓ માટે મૂક મોરચા કાઢયા, ઠોક મોરચા કાઢયા અને મહારાષ્ટ્ર બધ પણ કર્યું, પરંતુ હવે મરાઠા સમન્વય સમિતિએ રસ્તા પર આંદોલન ન કરવાનો નિર્ણય લીધો છે. જયાં સુધી મરાઠા સમાજની માગણીઓ સ્વીકારવામાં આવશે નહીં ત્યાં સુધી તાલુકા સ્તરે સાંકળી ઉપવાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુરૂવારના આંદોલનમાં કેટલાક બહારના તત્ત્વો ઘૂસી ગયા હતાં અને એટલે તોડફોડ થઇ હતી અને એની સાથે મરાઠા સમાજને કોઇ સંબંધ નથી એવો દાવો કરતા સમિતિએ કહ્યું હતું કે નાગરિકોને થયેલી તકલીફ બદલ અમે માફી માગીએ છીએ.

મહારાષ્ટ્ર બંધ વખતે તોડફોડ કરનારા લોકોને શોધી આપવામાં પોલીસને મદદ કરવામાં આવશે એવું એલાન કરતા સમિતિએ જણાવ્યું હતું કે 'કોર્પોરેટ કંપનીના કેમેરાના ફુટેજ ચેક કરીને આ કંપનીમાં તોડફોડ કરનારા સામે કાર્યવાહી કરવી, પરંતુ નિર્દોષ મરાઠા આંદોલનકારીઓ પર નોંધવામાં આવેલા ગુના પાછા લેવા.'(૮.પ)

(9:47 am IST)