Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા ઇમરાનને પીએમ મોદીએ ગિફ્ટમાં મોકલ્યું બેટ

હાઈકમિશનર અજય બસારિયા દ્વારા ઇમરાનખાનને ગિફ્ટ મોકલાવી

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન ખાનના પુત્રને બેટ ગિફ્ટ આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ બેટ હાઈકમિશનર અજય બસારિયા દ્વારા પાકિસ્તાન મોકલાવી છે. બેટ સાથે પીએમ મોદીએ ઇમરાન ખાનને એક સંદેશ પણ મોકલ્યો છે. ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ) પાકિસ્તાન ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. અને તેઓ 18 ઓગસ્ટે નવા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

ખાસ વાત તો આ છે કે, પીએમ મોદી તરફથી જે બેટ મોકલવામાં આવેલી છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર છે. હાઈકમિશનરે ઇમરાન ખાન સાથે અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. સાથે ભારત-પાકના સંબંધોમાં સુધારવા પણ જોર આપ્યું હતું

     અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામાન્ય ચૂંટણી બાદ ઇમરાન ખાનને પીએમ મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમને અભિનંદન આપતા લોકતંત્રની મજબુતીને લઈને આશા વ્યક્ત કરી હતી. સાથે તેઓએ શાંતિ અને વિકાસની આશા પણ વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે પૂર્વવર્તી પીએમએલ(એન)ની સરકાર દરમિયાન ભારત અને પાકિસ્તાના સંબંધો ખૂબજ ખરાબ રહ્યા હતા. હવે આગામી નવી સરકાર પાસેથી આશા જાગી છે. 

જો કે પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન ઇમરાન ખાન સતત ભારત અને ખાસ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા નજર આવ્યા હતા. ભારતમાં રાજનીતિક વિશ્લેષકોનું માનવું છે કે ઇમરાન ખાનના શાસનકાળમાં પણ સંબંધો સુધરવાની આશા ઓછી છે. જેનું મોટું કારણ છે કે ઇમરાન ખાન અને પાકિસ્તાનની સેના વચ્ચે નજીકના સંબંધો.

(12:00 am IST)