Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત વર્ગો માટે મોટી જાહેરાતઃ બિનઅનામત વર્ગમાં અનામત વિરૂદ્ધમાં ભભૂકી રહેલા રોષને શાંત પાડવા નવી યોજનાની જાહેરાત કરતા નીતિનભાઇ પટેલ

૪ ટકાના સાદા વ્યાજે લોન અપાશેઃ યુવતિઓને તમામ સ્થળે મફત શિક્ષણ અપાશે

ગાંધીનગર તા. ૧૦: સમગ્ર દેશમાં અનામત વિરૂદ્ધ રોષ ધીરે-ધીરે ભભૂકી રહ્યો છ. ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત તમામ સવર્ણ સમાજ અનામતની માંગણી અથવા તો અનામત દૂર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ અનામતની માંગણી અથવા તો અનામત દુર કરવાની માંગણી કરી રહ્યા છે, જેના કારણે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યો અનામત મુ્દ્દે સળગી રહ્યા છે. જો કે, ગુજરાત સરકારે હાર્દિક પટેલ દ્વારા શરૂ થનાર ઉપવાસ આંદોલન અગાઉ સવર્ણ સમાજને રાહત મળે તે માટે વિવિધ જાહેરાત કરી છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા નવી યોજનાની જાહેરાત કરતા જણાવાયું હતું કે, અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને થઇ રહેલા અન્યાય પણ દૂર થાય તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ લાંબી ચર્ચા-વિચારણાના અંતે આ નવી યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે દોઢ કરોડ લોકોને અનામતનો લાભ નથી મળ્યો. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો રાજ્ય સરકારનો પ્રયાસ છે.

નીતિનભાઇ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, ધો.૧૨માં ૬૦ ટકા કરતા વધુ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. જેમાં કુટુંબની વાર્ષિક આવક ૩ લાખ કરતા ઓછી હોવી જોઇએ. અભ્યાસ માટે ૧૦ લાખ રૂપિયા, જ્યારે વિદેશમાં અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન ૪ ટકાના સાદા વ્યાજે મળશે. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. સ્વરોજગારલક્ષી યોજના માટે ૧૦ લાખ રૂપિયા સુધીની સહાય ૪ ટકા લેખે સાદા વ્યાજે મળશે. આ માટે આવકમર્યાદા ૩ લાખથી ઓછી હોવી જોઇએ. ઉચ્ચ અભ્યાસમાં મોટો ખર્ચો થતો હોઇ તેમાં પણ સહાય અપાશે. તબીબ, વકીલ અને ટેકનીકલ સ્નાતકો માટે સહાય અપાશે. ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર સહિતના તમામ અભ્યાસક્રમ માટે લોન અપાશે. નવા શૈક્ષણિક સત્રથી જ નવી યોજના અમલમાં આવશે. યુવતિઓને તમામ સ્થળે મફત શિક્ષણ આપવામાં આવશે.

(11:43 am IST)