Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

અમેરિકામાં એક દિવસમાં વિશ્વના અત્યાર સુધીના સૌથી વધુ ૭૦,૦૦૦થી વધુ કેસ

અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧૮૩૮૫૬ લોકો કોરોનાની લપેટમાં

વોશિંગ્ટન, તા.૧૧: કોરોના વાયરસની મહામારીએ અમેરિકામાં રૂદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૦૦૦૦ નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ ૩૧૮૩૮૫૬ લોકો કોરોનાની લપેટમાં આવી ચૂકયા છે.

અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે.

વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં ૩૩ લાખની નજીક પહોંચી ગઈ છે. જયારે કુલ ૧૩૬૬૫૨ લોકોના મોત નિપજયા છે. જોકે, ૧૪૫૪૦૦૦ લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂકયા છે જે કુલ સંક્રમિતોના ૪૪ ટકા છે.

તેમજ હોસ્પિટલમાં હજી પણ ૧૬૯૯૦૦૦ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના ૫૨ ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે ૪૨૬૦૧૬ કેસ નોંધાયા છે. ફકત ન્યૂયોર્કમાં જ ૩૨૩૭૫ લોકોના મોત નિપજયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૧૨૪૯૩૪૫૧ કેસ નોંધાઈ ચૂકયા છે. જેમાંથી ૫૬૦૧૪૧ લોકોના મોત નિપજયા છે જયારે ૬૮૭૪૬૯૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૫૦૫૮૬૨૦ કેસ એકિટવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

(3:11 pm IST)