Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

શું રોગચાળામાં દાંતના ડોકટર પાસે જવું સલામત?

દાંતની સારવારમાં ડોકટરે દર્દીના મુખની ખૂબ નજીક આવવું પડે છે જે ડોકટર માટે ખતરો સાબિત થઈ શકે

વોશિંગ્ટન, તા.૧૧: શું કોવિડ-૧૯ની મહામારી દરમિયાન દાંતના ડોકટર પાસે જવું સલામત છે? ડેન્ટિસ્ટો બધા જોખમો તો દૂર ન કરી શકે, પરંતુ કોરોના વાઇરસ વધુ ફેલાવાની સંભાવના બને એટલી ઓછી રહે એ માટે તેઓ પગલાં જરૂર ભરી રહ્યા છે.

તમે થોડા સમયમાં જો કોઈ ડેન્ટિસ્ટને ત્યાં જશો તો ત્યાં તમને કદાચ ફેરફારો જોવા મળશે. ઉદાહરણ તરીકે, ઘણા દાંતના ડોકટરોએ પોતાના વેઇટિંગ રૂમમાંથી મેગેઝિનો હટાવી નાખ્યા છે. અમુક ડોકટરોએ તો ખુરસી પણ ઓછી કરી નાખી છે કે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પૂરતી જગ્યા રાખી શકાય. અમુક ડેન્ટિસ્ટને ત્યાં દરદીઓની ભીડ ટાળવા અપોઇન્ટમેન્ટ્સના સમય વચ્ચે ખાસ્સું અંતર રાખવામાં આવે છે.

દરેક દરદીને માસ્ક પહેરીને જ તમારે આવવું એવું તો કહેવામાં આવી જ રહ્યું છે, કેટલાક ડોકટરોએ નિયમ રાખ્યો છે કે જયાં સુધી પાછલા દરદી માટે વાપરેલા સાધનો સાફ ન થાય અને ડોકટર નવી અપોઇન્ટમેન્ટ માટે તૈયાર ન થાય ત્યાં સુધી તમારે તમારી કારમાંથી ઊતરવું નહીં. ડોકટરની કેબિનમાં પહોંચતાં પહેલાં દરદીએ ટેમ્પરેચર મપાવવું પડે છે અને કોવિડ-૧૯ને લગતા કોઈ લક્ષણો તો નથીને? એવું તેને પૂછવામાં આવે છે.

દાંતની સારવારમાં ડોકટરે દરદીના મુખની ખૂબ નજીક આવવું પડે છે જે ડોકટર માટે ખતરો સાબિત થઈ શકે. દરદીની લાળ તથા તેણે વાપરેલા પાણીથી પણ કોરોનાનું જોખમ ફેલાઈ શકે. જોકે, જોખમ ઘટાડવા કેટલાક ડેન્ટિસ્ટો સ્પ્રે વાપરવાને બદલે અગાઉની પરંપરાગત સાધનસામગ્રી વાપરવાનું પસંદ કરી રહ્યા છે. ડેન્ટિસ્ટોના સ્ટાફ મેમ્બરો પણ સતતપણે માસ્ક તથા ફેસ-શીલ્ડ અને બીજા રક્ષણાત્મક સાધનો વાપરે છે. કેટલાક ડોકટરો આ બધી વધારાની સેવા માટે ચાર્જ લગાડી રહ્યા છે એટલે દરદીઓને અગાઉથી ખર્ચ જાણવાની સલાહ અપાઈ રહી છે.

આ વર્ષની શરૂઆતમાં કોવિડ-૧૯ની મહામારી ફેલાવાની શરૂ થતાં અમેરિકામાં મોટા ભાગના દાંતના દવાખાના બંધ રાખવામાં આવતા હતા. માત્ર ઇમરજન્સી-કેરના દવાખાના જ ચાલુ રહેતા હતા. જૂનના અંત ભાગમાં લગભગ બધા જ દાંતના દવાખાના ફરી શરૂ કરવામાં આવ્યા હોવાનું અમેરિકન ડેન્ટલ એસોસિયેશનના સર્વેક્ષણમાં જણાવાયું છે.

(1:24 pm IST)