Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ટૂંકા સમયગાળામાં જ ટામેટાના ભાવમાં અધધ... ચાર ગણો વધારો

ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા

નવી દિલ્હી, તા.૧૧: એક તરફ લોકડાઉનના કારણે ઉદ્બવેલ પ્રતિકૂળતાઓની બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી લોકોના બજેટ ખોરવાઈ ગયા છે. ત્યાં હવે ટામેટાના ભાવમાં પણ ટૂંકા સમયગાળામાં ચાર ગણો ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. બજારના વર્તુળોના જણાવ્યા મુજબ લોકડાઉનના સમય દરમિયાન પણ ટામેટાની આવકો જારી રહેતા તે સમયમાં ટામેટા કીલો દીઠ રૂ. ૨૦ના ભાવે બજારમાં ઉપલબ્ધ હતા. છેલ્લા કેટલાક દિવસથી ટામેટાના ઉત્પાદક કેન્દ્રો ખાતે ભારે વરસાદ તેમજ ગરમીના કારમે ટામેટાના પાકને ભારે નુકશાન થયું છે. આ ઉપરાંત કેટલાક સેન્ટરો ખાતે ખેડૂતો ટામેટાના પાકને છોડીને ધાન્ય તરફ વળતા ટામેટાની આવક પર અસર પડી છે. આમ, મોટા શહેરોના હોલસેલ માર્કેટમાં ટામેટાની આવક ઘટતા ટૂંકા સમયગાળામાં ટામેટાના ભાવમાં ચારગણો વધારો જોવા મળ્યો છે. હાલ ટામેટા કિલોદીઠ રૂ. ૮૦ના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે. વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા હાલ તુરંત ટામેટાના ભાવમાં દ્યટાડો થવાની સંભાવના ઓછી છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે દેશમાં ટામેટાનું વાર્ષિક એક કરોડ ૯૭ લાખ ટન ઉત્પાદન થાય છે. તેની સામે લગભગ એક કરોડ ૧૫ લાખ ટનનો વપરાશ થાય છે.

(1:22 pm IST)