Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો હવામાં જ ખેલ ખલ્લાસ થઇ જશે ?

એર ફિલ્ટર વિકસાવાયુ છેઃ હવામાં જ ૯૯.૮ ટકા વાયરસને ખાત્મો બોલાવાની તાકાત

નવી દિલ્હીઃ મહામારી કોરોના વાયરસની વેકિસન અને દવા શોધી લીધાના કે શોધવાની તૈયારીઓ હાથવેંત હોવાના લગભગ રોજેરોજ દાવા કરવામાં આવી રહ્યાં છે. પણ હવે કોરોના વાયરસનો તોડ શોધી રહેલા ચિકિત્સા વૈજ્ઞાનિકોનો એવો દાવો છે કે તેમણે આખરે કોરોનાના સંહાર માટે એક હથિયાર બનાવી જ લીધુ છે. આ હથિયાર કોરોના વાયરસને હવામાં જ મારી નાખશે.

વૈજ્ઞાનિકોનું આ હથિયાર એક એર ફિલ્ટર છે. આ એર ફિલ્ટરની જાણકારી આપનારો રિસર્ચનો જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિકસમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ એર ફિલ્ટરમાંથી પસાર થનારી હવામાં એકવારમાં જ ૯૯.૮ ટકા સુધી કોરોના વાયરસને મારવાની ક્ષમતા રહેલી છે.

સંશોધક વૈજ્ઞાનિકોએ તો તેવો પણ દાવો કર્યો છે કે, કોરોના વાયરસને હવામાં જ ખતમ કરી નાખનારું એર ફિલ્ટર બનાવવામાં આવ્યું છે. આ એર ફિલ્ટર ભીડભાડવાળા વિસ્તારોમાં ઘણું કામ આવી શકે છે. વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે કોરોના મારક ફિલ્ટરના માધ્યમથી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને વિમાનોમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકી શકાય છે.

આ કોરોના મારક એર ફિલ્ટર ખુલ્લા સ્થળો પર કારગર સાબિત નહીં થાય. આ એર ફિલ્ટર દ્વારા કોરોનાના વાયરસ એક નિશ્યિત અને બંધ જગ્યા પર મારી શકાય છે તેવો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. આ ફિલ્ટર બનાવવા માટે થયેલા અભ્યાસમાં જાણકારી અપાયેલ છે  કે આ ઉપકરણના વ્યવસાયિક ઉપયોગ માટે તેમાં ઉપયોગમાં લેવાયેલા નિકેલ ફોમને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીને તેને બનાવવામાં આવેલ છે.

વાસ્તવમાં જે દાવો ચિકિત્સા વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે તે કદાચ સાબિત થયો તો તે કોરોના મારક એર ફિલ્ટર કોરોના વિરુદ્ઘ એક મોટી જીત સાબિત થશે. આ એર ફિલ્ટરની જાણકારી આપનારા રિસર્ચ જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિકસમાં પ્રકાશિત થયેલો રિપોર્ટ જણાવે છે કે આ એર ફિલ્ટરમાંથી પસાર થનારા વાયુમાં એકવારમાં ૯૯.૮ ટકા સુધી કોરોના વાયરસને મારવાનું સામાર્થ્ય છે. જોકે આ એર ફિલ્ટરની કિંમત જાહેર કરવામાં આવી નથી. પણ જો આ દાવો સાચો પડશે તો કરોડો લોકો માટે તે આશિર્વાદરૂપ સાબિત થશે.

(11:39 am IST)