Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા પર સેંકડો કોરોના વોરિયર્સ સમક્ષ થશે પીએમનું સંબોધન

અલગ પ્રકારે મનાવાશે સ્વતંત્રતા પર્વ : સામાન્ય લોકોની હાજરી નહિ હોય : ધ્વજારોહણ... પરેડ... પીએમનું સંબોધન થશે : ઘણુ બધુ બદલાયેલું જોવા મળશે

નવી દિલ્હી તા. ૧૧ : લાલ કિલ્લા પર આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ સોશ્યલ ડિસ્ટન્સ સાથે એકદમ અલગ અંદાજથી મનાવવામાં આવશે. સૌથી મોટું આશ્ચર્ય એ હશે કે કોરોના સામેના જંગમાં ફ્રંટલાઇન વોરિયર્સ ઉપરાંત એવા કેટલાક લોકોને બોલાવાશે જેઓ આ બિમારીને હરાવી જંગ જીત્યા છે.

લગભગ ૧૫૦૦ કોરોના વોરિયર્સ અને સાજા થઇ ચૂકેલા લોકોની હાજરીમાં વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. લાલ કિલ્લા પર ૧૫ ઓગષ્ટની તૈયારી સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસના ખતરાને જોતા આ વખતે ઘણી બાબત બદલાયેલી જોવા મળશે. ધ્વજારોહણ, પરેડ અને પીએમનું રાષ્ટ્રજોગ સંબોધન આ ત્રણેય બાબતો પહેલાની જેમ થશે. સુરક્ષામાં કોઇ કાપ કે ફેરબદલ નહિ કરાય પણ આ વખતે તે વધુ મજબૂત બનશે.

લાલ કિલ્લા મેદાનમાં દર વખતે ૧૦,૦૦૦ લોકો આ પર્વમાં સામેલ હોય છે પણ આ વખતે લગભગ ૧૫૦૦ કોરોના વોરિયર્સને આમંત્રણ અપાશે.

હેતુ એ છે કે આનાથી આ મહામારી સામે લડવામાં તેઓનું મનોબળ વધુ ઉંચુ જઇ શકે અને કોરોના સામેના જંગમાં દેશમાં આ થકી પીએમનો સકારાત્મક સંદેશ પણ જઇ શકે.

લાલ કિલ્લા પર સ્ટેજની બંને તરફ દર વખતે ૮૦૦ ખુરશી મુકાય છે જેમાં એક તરફ ૩૭૫ અને બીજી તરફ ૪૨૫ ખુરશી મુકાતી હોય છે જે આ વખતે ઘટાડી ૧૫૦ કરાશે. ઉપરાંત જેટલા વીઆઇપી બેસતા હતા તે બધા આ વખતે નીચે મેદાનમાં બેસશે.

(10:55 am IST)