Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

એએસઆઇ ખુશ્બૂ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહે પિસ્તોલથી ગોળીઓ ધરબી જિંદગીનો અંત આણી લીધો

કાલાવડ રોડ નવા ૧૫૦ રીંગ રોડ પર પંડિત દિનદયાલ નગર ગુ.હા. બોર્ડ કવાર્ટર ઇ-૪૦૨માં મહિલા એએસઆઇના ભાડાના રહેણાંકમાં ઘટનાથી પોલીસ બેડામાં અરેરાટી : સવારે રવિરાજસિંહનો ફોન સતત નો-રિપ્લાઇ થતો હોઇ પત્નિએ પોતાના ભાઇને જાણ કરીઃ તપાસ કરતાં રવિરાજસિંહની ક્રેટા કાર ખુશ્બૂના રહેણાંક નજીક પાર્ક કરેલી દેખાતાં ફલેટ ઉપર પહોંચ્યાઃ ડોરબેલ મારવા છતાં દરવાજો ન ખુલ્યો એટલે ગેલેરી વાટે અંદર પ્રવેશતાં જ બનેવી અને મહિલાની લોહીથી લથપથ લાશ જોઇ સાળા હતપ્રભ થઇ ગયા : બંને યુનિવર્સિટી પોલીસ મથકમાં સાથે ફરજ બજાવતાં હતાં

અરેરાટીઃ જ્યાં ઘટના બની તે પંડિત દિનદયાલનગર ગુ.હા. બોર્ડ કવાર્ટર, ઘટના સ્થળે  એએસઆઇ ખુશ્બૂબેન કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના લોહીલુહાણ મૃતદેહ જે રીતે પડ્યા હતાં તે દ્રશ્ય, રૂમમાં બેલ્ટ, પિસ્તોલનું કવર, ડાયરી સહિતની ચીજવસ્તુઓ, ઇન્સેટમાં બંનેના ફાઇલ ફોટો તથા સોૈથી નીચેની તસ્વીરમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા વિલાપ કરતાં ખુશ્બૂબેનના સાથી મહિલા કર્મચારીઓ, તથા વચ્ચેની તસ્વીરમાં જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી સાથે ચર્ચા કરતાં રવિરાજસિંહના સ્વજનો અને સોૈથી છેલ્લે અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની અને એસીપી જે. એસ. ગેડમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: શહેરના પોલીસ બેડામાં અરેરાટી જન્માવતી એક ઘટના બની છે. જેમાં શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ (આસી. સબ ઇન્સ.) તથા ડી. સ્ટાફના કોન્સ્ટેબલે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં મહિલા એએસઆઇના કવાર્ટરમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાનું કારણ જાણવા પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. બંનેએ મહિલા એએસઆઇની સર્વિસ પિસ્તોલથી ગોળીઓ ધરબી જિંદગીનો અંત આણી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બંને વચ્ચે અફેર હોવાને કારણે આ ઘટના બન્યાની ચર્ચા થઇ રહી હોઇ આ અંગે તપાસ થઇ રહી છે.

શહેર પોલીસબેડામાં ચકચાર મચાવનારી આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ રોડ કટારીયા શો રૂમથી આગળ નવા ૧૫૦ રીંગ રોડ પર આવેલા પંડિત દિનદયાળ નગર ગુ.હા. બોર્ડના કવાર્ટર નં. ઇ-૪૦૨માં ચોથા માળે રહેતાં યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા એએસઆઇ ખુશ્બૂબેન રાજેશભાઇ કાનાબાર (ઉ.૨૮) (બક્કલ નંબર-૩૨૦) અને આ પોલીસ મથકના જ ડી. સ્ટાફના કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા (ઉ.૩૦-રહે. મવડી પોલીસ હેડકવાર્ટર) (બક્કલ નં. ૨૦૦૮)એ ખુશ્બુબેનના કવાર્ટરમાં સજોડે આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. એ. એલ. આચાર્ય, તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારા તથા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને પોલીસ મથકોના અન્ય કર્મચારીઓ, અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ૧૦૮ના ઇએમટી ભાવનાબેન ડોડીયા અને પાઇલોટ કેતનસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઇએમટી તબિબની તપાસમાં મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલ યુવાન મૃત જણાયા હતાં.

સવારે કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાને તેમના પત્નિએ ફોન જોડતાં ફોન રિસિવ ન થતાં તેણીએ પોતાના ભાઇને ફોન જોડી જાણ કરતાં તેઓ બનેવી રવિરાજસિંહને શોધવા યુનિવર્સિટી પોલીસ મથકે ગયા હતાં. પરંતુ ત્યાં તેઓ ન મળતાં મહિલા એએસઆઇ ખુશ્બૂ કાનાબારના રહેણાંક તરફથી પસાર થતાં ત્યાં રવિરાજસિંહની ક્રેટા કાર જોઇ જતાં તેઓ સીધા જ ખુશ્બૂ કાનાબારના ફલેટમાં પહોંચ્યા હતાં. ડોરબેલ વગાડવા છતાં દરવાજો નહિ ખોલાતાં પાછળની ગેલેરીમાંથી જઇને જોતાં જે દ્રશ્ય જોવા મળ્યું હતું તેનાથી સાળા હતપ્રભ થઇ ગયા હતાં.  એ પછી તેમણે પોલીસને અને ૧૦૮ને જાણ કરી હતી.

એએસઆઇ ખુશ્બૂ કાનાબારને સર્વિસ પિસ્તોલ મળી હતી. તેમાંથી બે ફાયરીંગ થયા છે. પોલીસ અધિકારીઓએ જે રીતે દ્રશ્ય જોયું અને મૃતદેહોનું પરિક્ષણ કર્યુ તે જોતાં અને ઓશીકામાં પણ ફાયરનું નિશાન હોઇ ખુશ્બૂ કાનાબારના માથા પાછળ ઓશીકુ રાખી ફાયર કરાયા બાદ રવિરાજસિંહે લમણા પર ફાયરીંગ કર્યાની શકયતા છે. જો  કે આ માત્ર તારણ છે. વિશેષ તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે.

ખુશ્બૂ કાનાબાર એએસઆઇ તરીકે યુનિવર્સિટી પોલીસમાં મુંજકા બીટમાં ઇન્ચાર્જ તરીકે નોકરી પર હતાં. તેના લગ્ન થયા નહોતાં. જ્યારે રવિરાજસિંહ પરિણીત હતાં. ઘટનાને પગલે બંનેના પરિવારજનોમાં અને પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ખુશ્બૂ મુળ જામજોધપુરના વતનીઃ પિતાને ખુશ્બૂ ભજીયા નામે ધંધોઃ ત્રણ વર્ષથી પોલીસમાં નોકરી હતી

. જામજોધપુરના પ્રતિનિધિના અહેવાલ મુજબ આપઘાત કરનાર ખુશ્બૂ કાનાબાર મુળ જામજોધપુરના વતની હતાં અને ત્રણ વર્ષ પહેલા ૨૦૧૬માં પોલીસમાં ભરતી થયા હતાં. તે એક ભાઇથી મોટા હતાં. તેણીએ પ્રારંભે મુંબઇમાં અભ્યાસ કર્યો હતો. તેના પિતા રાજેશભાઇ કાનાબાર જામજોધપુરમાં ખુશ્બૂ ભજીયા નામે સ્ટોલ રાખી ધંધો કરે છે. માતાનું નામ પન્નાબેન છે. નાનો ભાઇ કરણ હાલમાં અમરનાથ યાત્રા કરવા ગયો છે. બનાવથી જાણ થતાં માતા-પિતા સહિતના પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા હતાં.

ઓશીકૂ આડુ રાખી પ્રથમ ખુશ્બૂબેનના માથા પાછળ ગોળી છોડાયા બાદ રવિરાજસિંહે લમણે ભડાકો કર્યાની શકયતા

. મૃતદેહો અને ઘટના સ્થળના નિરીક્ષણ બાદ પ્રાથમિક એવું તારણ નીકળ્યું છે કે પહેલા ઓશીકૂ આડુ રાખી ખુશ્બૂબેનના માથા પાછળ ફાયરીંગ કરાયું હશે. એ પછી યુવરાજસિંહે પોતાના લમણે ભડાકો કરી લીધો હોઇ શકે. જો કે ખરેખર બંનેએ કઇ રીતે ફાયરીંગ કર્યુ તે અંગે તપાસ બાદ બહાર આવશે.

રવિરાજસિંહ માતા-પિતાના એકના એક પુત્ર, બહેનથી નાના હતાં: પિતા પણ રૂરલના પોલીસ કર્મચારી

. મૃત્યુ પામનાર રવિરાજસિંહ જાડેજા માતા-પિતાના એકના એક પુત્ર હતાં. તેમનાથી નાના એક બહેન છે. રવિરાજસિંહ પરિણીત હતાં અને સંતાનમાં એક પુત્રી છે. આ બનાવથી માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રવિરાજસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ મથકમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં અને ડિટેકશનમાં પણ ખુબ સારી કામગીરી કરતાં હતાં.આ ઘટનાને પગલે તેની સાથે ફરજ બજાવતાં કર્મચારી મિત્રોમાં પણ ગમગીની છવાઇ ગઇ છે. રવિરાજસિંહના પિતા અશોકસિંહ રૂરલમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે.

(3:26 pm IST)