Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ભારતીયો માટે ખુશખબરી... અમેરિકામાં ગ્રીન કાર્ડ અંગેનો ખરડો પસાર થયો

અમેરિકામા દર વર્ષે તમામ દેશોને ૭ ટકા ગ્રીન કાર્ડ જારી કરવાની સીમા હતી જે હવે સમાપ્ત થઈ ગઈઃ ખરડાની તરફેણમાં ૩૬૫ મતો પડયા જ્યારે વિરોધમાં માત્ર ૬૫ મતો પડયાઃ બીલ પાસ થવાથી હવે અમેરિકામાં નોકરીના આધાર પર મળનારી સ્થાયી નાગરિકતા આપવા સંબંધી લીમીટ સમાપ્ત થઈ જશેઃ સૌથી વધુ ફાયદો ભારતીયોને થશે

વોશિંગ્ટન, તા. ૧૧ :. મંગળવારે અમેરિકી પ્રતિનિધિ સભામાં ગ્રીન કાર્ડ સાથે જોડાયેલો એક ખરડો પસાર થઈ ગયો. અમેરિકી પ્રતિનિધિ સભાએ એ ખરડા પર મતદાન કર્યુ જે ગ્રીન કાર્ડ જારી કરવાને લઈને દેશો પર લાગેલી સિમાને હટાવવાની માંગણી કરતો હતો. અત્રે નોંધનીય છે કે, અમેરિકી સાંસદોએ ગ્રીન કાર્ડ જારી કરવા પર મોજુદ ૭ ટકા કન્ટ્રી કેપને હટાવવાના હેતુથી એક ખરડો પસાર કરેલો છે.

રીપબ્લીક અને ડેમોક્રેડીટ પાર્ટીના ૩૧૦થી વધુ સાંસદો પાસેથી સમર્થન પ્રાપ્ત ફેયરનેશ ફોર હાઈસ્કીલ્ડ ઈમીગ્રેટસ એકટ ૨૦૧૯ને સરળતાથી પસાર કરવાની પહેલેથી જ સંભાવના જણાતી હતી.

ખરડો રજૂ કરનારાઓ એ બાબતથી ખુશ હતા કે ૨૦૩ ડેમોક્રેટ અને ૧૦૮ રીપબ્લીકન આ ખરડાને સાથે મળીને લાવ્યા હતા. તેના પ્રસ્તાવક એક ત્વરીત પ્રક્રિયા અપનાવી રહ્યા છે. જે હેઠળ ખરડાને સુનાવણી વગર અને સંશોધનો વગર પસાર કરવા માટે ૨૯૦ મતોની જરૂર હતી પરંતુ ૪૩૫ સભ્યોવાળા ગૃહમાં તેને ૩૬૫ મતો મળ્યા. જ્યારે વિરોધમાં માત્ર ૬૫ મતો જ પડયા હતા.

અત્રે એ નોંધનીય છે કે અમેરિકામાં દર વર્ષે તમામ દેશોને ૭ ટકા ગ્રીન કાર્ડ જારી કરવાની સીમા હતી જે હવે સમાપ્ત થઈ છે. ગ્રીન કાર્ડ ધરાવનારને અમેરિકામાં કાયમી રીતે રહેવા અને કામ કરવાની પરવાનગી મળે છે. આ બીલ પાસ થવાથી અમેરિકામાં નોકરીના આધાર પર મળનાર સ્થાયી નાગરિકતા આપવા સંબંધી લીમીટ પણ સમાપ્ત થઈ ગઈ છે. ગ્રીન કાર્ડ પર પ્રત્યેક દેશના હિસાબથી લાગેલી સીમાથી મુખ્ય ફાયદો ભારત જેવા દેશોના એચ-૧બી વર્ક વિઝા પર કામ કરી રહેલા હાઈટેક પ્રોફેશ્નલોને થશે. જેમના માટે ગ્રીન કાર્ડની ઈન્તેજારી એક દાયકાથી પણ વધુ સમયની છે.

બીલ પાસ થવાથી હવે અમેરિકામા નોકરીના આધાર પર મળનાર સ્થાયી નાગરિકતા આપવા સંબંધી લીમીટ સમાપ્ત થઈ જશે. વર્તમાન નિયમોના હિસાબથી એક વર્ષથી વધુમાં ૧,૪૦,૦૦૦ ગ્રીન કાર્ડ જારી કરાતા હતા. આ સિવાય કોઈપણ એક દેશથી ૯૮૦૦ નાગરિકોને એક વર્ષમાં સ્થાયી નાગરિકતા અપાતી નથી.

(11:29 am IST)