Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સંસદના આ સત્રમાં થશે રજૂ

શ્રમકાયદાની જગ્યાએ બનશે એક કાયદો

નવી દિલ્હી, તા. ૧૧ : આવનાર થોડા વર્ષો દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલર બનાવવા માટે કેન્દ્ર સરકારે શ્રમ કાયદામાં સુધારા સાથે શરૂઆત કરી દીધી છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સરકારે ૧૩ શ્રમ કાયદાને મળીને એક નવો કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ સંબંધિત ઓકુપેશન સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન બિલ ૨૦૧૯ના ડ્રાફ્ટને કેન્દ્ર સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઇ છે. આ અંગેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો.

મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રમ તેમજ રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યું કે આનાથી કામદારોને કાર્યસ્થળ પર સારી સુરક્ષા મળશે, તેમનું સ્વાસ્થ્ય સારુ રહી શકશે અને કામ કરવાની સ્થિતિ પણ સુધરશે. જેના માટે હાલના ૧૩ કાયદાઓને ભેગા કરીને એક નવો કાયદો બનાવામાં આવ્યો છે.

સરકારનું માનવું છે કે કામદારોના સારા કામકાજ માટે સારુ વાતાવરણ હોવા જુરૂરી છે, તેમનું સ્વાસ્થ્ય પણ સારુ હોવું જોઇએ અને સામાજિક કલ્યાણ પણ થાય. જેના માટે આ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. આ કાયદાને સંસદના આ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં અનરેગુલેટેડ ડિપોઝીટ સ્કીમ બિલ ૨૦૧૯ના ડ્રાફટને પણ મંજૂરી આપી. આ કાયદો આ વખતે અગાઉ જાહેર કરાયેલ અધિસૂચનાનું સ્થાન લેશે. આ અધિસૂચનાને ગત ૨૧ ફેબ્રુઆરીએ જાહેર કરાઇ હતી.

(11:13 am IST)