Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પેશાવરમાં આત્મઘાતી હુમલો : ANP નેતા સહિત ૧૪ના મોત

૨૪ વર્ષના એક યુવકે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો

ઇસ્લામાબાદ તા. ૧૧ : પાકિસ્તાનના પેશાવર યકાતુતમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૧૪ લોકોનાં મોત નિપજયાં છે. પાકિસ્તાન મીડિયા અનુસાર આ હુમલામાં અવામી નેશનલ પાર્ટી (એએનપી)ના ઉમેદવાર બેરિસ્ટર હારૂન બિલૌર સહિત ૧૪ લોકોના મોત થયા છે. આ હુમલામાં અંદાજે ૪૭ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

એક અહેવાલ મુજબ યકાતુત અવામી નેશનલ પાર્ટી (એએનપી)ની કોર્નર બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ધમાકેદાર બ્લાસ્ટ થયો. એક જાણકારી મુજબ આ બ્લાસ્ટ એ સમયે થયો જયારે બેઠક દરમિયાન અવામી નેશનલ પાર્ટી (એએનપી)ના ઉમેદવાર બેરિસ્ટર હારૂન બિલૌર મંચ તરફ જઇ રહ્યાં હતા ત્યારે ૨૪ વર્ષના એક યુવકે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો.

આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આખા વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. દૂર્ઘટના સ્થળ પર પાકિસ્તાની સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. આ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં થયેલા બ્લાસ્ટમાં હારૂનના પિતા બશીર બિલોરનું પણ બોમ્બ બ્લાસ્ટથી મૃત્યુ થયું હતું. હારૂન બિલૌરની હત્યા એવા સમય કરવામાં આવી છે જયારે પાકિસ્તાનમાં આમ ચૂંટણી યોજાવા જઇ રહી છે. પાકિસ્તાનમાં ૨૫ જુલાઇના રોજ આમ ચૂંટણી યોજવાની છે.(૨૧.૫)

 

(10:25 am IST)