Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ચીન દ્વારા શિનજિયાંગમાં માનવતા વિરુદ્ધ ગુનાહિત કૃત્યો : વિગર અને બીજા મુસ્લિમ લઘુમતી સમુદાય પર અત્યાચાર

માનવઅધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલનો અહેવાલમાં ધડાકો : એમનેસ્ટીએ સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે આ બાબતમાં તપાસ કરવાની માગણી કરી

માનવઅધિકાર સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર ચીન શિનજિયાંગમાં માનવતા વિરુદ્ધ ગુનાહિત કૃત્યો કરી રહ્યું છે અને વાયવ્ય ચીનમાં આવેલા આ પ્રાંતના રહેવાસીઓ વિગર અને બીજા મુસ્લિમ લઘુમતી સમુદાય પર અત્યાચાર કરી રહ્યું છે.

ગુરુવારે પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ઍમનેસ્ટીએ સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે આ બાબતમાં તપાસ કરવાની માગણી કરી છે.

અહેવાલમાં જણાવાયું છે કે ચીન વિગર, કઝાક અને બીજા મુસ્લિમોને મોટા પાયે પકડીને કેદ કરી રહ્યું છે અને તેમના પર સતત નજર રાખીને અત્યાચાર કરી રહ્યું છે.

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલનાં સેક્રેટરી જનરલ ઍગ્નેસ કેલામેર્ડે ચીનના સત્તાધીશો પર આક્ષેપ કર્યો છે કે તેણે "વિશાળ પાયે અત્યાચારથી ભરેલી જગ્યા" તૈયાર કરી છે.

"માનવજાતનો આત્મા એ જાણીને હચમચી જવો જોઈએ કે મોટી સંખ્યામાં લોકોનું બ્રેઇન વૉશિંગ થઈ રહ્યું છે, ત્રાસ અપાઈ રહ્યો છે અને છાવણીઓ ખોલીને બીજી રીતે ખરાબ વર્તન થઈ રહ્યું છે. વસતી પર સતત નજર રાખવામાં આવી રહી છે તેના કારણે લાખો બીજા લોકો પણ ભયથી ફફડતા જીવે છે," એમ મીસ કેલામેર્ડે જણાવ્યું છે.

તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરેસ પર આક્ષેપ મુક્યો છે કે તેઓ "પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે."

બીબીસી સાથેની વાતચીતમાં કેલામેર્ડે જણાવ્યું કે ગુટેરેસે "આ સ્થિતિની ટીકા નથી કરી અને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ માટેની માગણી નથી કરી."

"સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના જે સિદ્ધાંતોના પાયા પર થઈ છે તેનું રક્ષણ કરવાની જવાબદારી તેમના પર છે, અને માનવતા સામે અપરાધ થઈ રહ્યો હોય ત્યારે ચોક્કસ મૌન ના રહી શકે."

ભૂતકાળમાં અટકમાં લેવાયેલા 55 લોકો સાથેની મુલાકાતોને આધારે તૈયાર કરાયેલા 160 પાનાંના અહેવાલમાં ઍમનેસ્ટીએ જણાવ્યું છે કે ચીનની સરકારે માનવતા વિરુદ્ધ અપરાધ કર્યો હોય તેવા પુરાવાઓ મળેલા છે.

"કમસે કમ આ પ્રમાણેના પુરાવા છે: કેદ કરવી અથવા અન્ય રીતે હરફર ના થવા દેવી, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે; ત્રાસ આપવો; અને અત્યાચાર કરવો."

હ્મુમન રાઇટ્સ વૉચે એપ્રિલમાં રજૂ કરેલા તપાસના અહેવાલમાં જેવું બહાર આવ્યું હતું, તેવી જ બાબતો આ અહેવાલમાં પણ બહાર આવી છે.

એપ્રિલમાં રજૂ થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે માનવતા વિરુદ્ધનું ગુનાહિત કૃત્યુ કરવામાં ચીનની સરકાર જવાબદાર છે એમ પોતે માને છે.

પશ્ચિમના કેટલાક દેશોએ અને નાગરિક અધિકારોની સંસ્થાઓએ પણ ચીન સામે આક્ષેપો કર્યા છે કે તે તુર્ક મૂળના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા સ્થાનિક લોકો સામે અત્યાચાર ફેલાવી રહ્યું છે - જોકે આ પગલાંને 'જિનોસાઇડ' કહી શકાય કે કેમ તે વિશે વિખવાદ છે.

ઍમનેસ્ટીના અહેવાલના લેખક જોનાથન લૉએબે ગુરુવારે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે તેમની સંસ્થા માત્ર ઉપરઉપરથી સ્થિતિ જાણી શકી છે, કેમ કે "જિનોસાઇડ થયો છે તેના બધા પુરાવા મેળવી શકે તેટલી પહોંચ તે વિસ્તારમાં હજી સંસ્થાની નથી".

ચીન આ પ્રકારે માનવ અધિકારોનો ભંગ શિનજિયાંગ પ્રાંતમાં થાય છે તેવા આરોપોને કાયમ નકારતું આવ્યું છે.

'ઉગ્ર હિંસા અને ધાકધમકી'

જાણકારો સામાન્ય રીતે એટલું સ્વીકારતા હોય છે કે ચીને 10 લાખ જેટલા વિગર તથા અન્ય મુસ્લિમોની અટક કરેલી છે અને 2017થી શરૂ થયેલી ઝુંબેશના ભાગરૂપે હજારો લોકોને કેદમાં નાખી દેવાયા છે.

કેદમાં રહેલા અને અટક છાવણીઓમાં રહેલા લોકો પર શારીરિક અને માનસિક ત્રાસના અહેવાલો પણ આવતા રહ્યા છે.

ચીન પર આરોપો મુકાયા છે કે તે પરાણે નસબંધી કરાવે છે, ગર્ભપાત કરાવે છે અને વસતીને બીજે ખસેડી દે છે, જેથી વસતીવધારો કાબૂમાં લઈ શકાય. સાથે જ ધાર્મિક આગેવાનોને નિશાન બનાવાય છે, જેથી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને તોડી પાડી શકાય.

ચીન આવા આક્ષેપો નકારી કાઢે છે અને જણાવે છે કે શિનજિયાંગમાં જે છાવણીઓ છે તે સ્વૈચ્છિક વ્યવસાયી તાલીમ માટેની અને ઉદ્દામવાદી વિચારધારામાંથી મુક્તિ માટેની છે, જેથી આ વિસ્તારમાં ત્રાસવાદનો સામનો થઈ શકે.

ઍમનેસ્ટીએ અહેવાલમાં કહ્યું છે કે ત્રાસવાદના સામનાના નામે સામૂહિક રીતે લોકોને અટકમાં રાખી શકાય નહીં.

ચીન સરકારનાં પગલાં દર્શાવે છે કે તે "સ્પષ્ટપણે શિનજિયાંગના અમુક વિસ્તારની વસતીને સામૂહિક રીતે ટાર્ગેટ કરવા માગે છે અને ધર્મ અને વંશના આધારે તેની સામે આકરી હિંસા અને ધાકધમકી આપવા માગે છે, જેથી તુર્ક મુસ્લિમોની વંશીય અને સાંસ્કૃતિક ઓળખ અને ઇસ્લામિક માન્યતાઓનાં મૂળિયાં નીકળી જાય."

સંસ્થાના જણાવ્યા અનુસાર, શિનજિયાંગની આ છાવણીઓમાં જેમને લઈ જવામાં આવે છે, તેમના પર સતત પ્રચારનો મારો ચલાવાય છે અને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવે છે."

અહેવાલ અનુસાર આ ત્રાસની રીતો એટલે "માર મારવો, વીજળીનો શૉક આપવો, શારીરિક મુશ્કેલી થાય તેવી રીતે બેસાડવા, બેડીઓમાં જકડી રાખવા, ઊંઘવા ના દેવા, દીવાલેથી લટકાવી રાખવા, કડકડતી ઠંડીમાં રાખવા કે કાળકોટડીમાં બંધ કરી દેવા વગેરે."

એક "ટાઇગર ચૅર" તરીકે ઓળખાતી ખુરશી હોય છે, જે અન્યત્ર પણ જોવા મળી છે.

તેમાં હાથકડીથી બાંધીને માણસને બેસાડવામાં આવે અને સતત ધ્રૂજાવવામાં આવે. ભૂતકાળમાં અટકમાં લેવાયેલામાંથી ઘણાએ ઍમનેસ્ટીને જણાવ્યું કે આ રીતે ટાઇગર ચૅરમાં બાંધીને રાખવામાં આવેલા હોય તે લોકોની સામે તેમને પણ કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા હતા.

ઍમનેસ્ટીએ એમ પણ જણાવ્યું કે શિનજિયાંગમાં જે છાવણીઓ ચાલે છે, તેનું કામકાજ "ચીનના ફોજદારી કે બીજા સ્થાનિક કાયદાઓની મર્યાદાની બહાર રહીને ચાલી રહ્યું હોય તેમ લાગે છે", અને એવા પણ પુરાવા છે કે છાવણીમાં અટકમાં રહેલામાંથી ઘણાને જેલમાં મોકલી દેવાયા છે.

આ બધી તપાસની વિગતો અગાઉ પણ જાહેર થયેલી છે, પરંતુ ઍમનેસ્ટીની આ તપાસ પછી ચીન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધે તેમ લાગે છે.

અમેરિકાના વિદેશમંત્રાલયે ભૂતકાળમાં ચીન દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં થયેલી કામગીરીને 'જિનોસાઇડ' ગણાવાયેલી છે. યુકે, કૅનેડા, નેધરલૅન્ડ અને લિથુઆનિયાની સંસદમાં પણ તેને 'જિનોસાઇડ' ગણાવવાના ઠરાવ પસાર થયેલા છે.

માર્ચમાં યુરોપિયન યુનિયન, અમેરિકા, યુકે અને કૅનેડાએ આ પ્રકારના અત્યાચાર બદલ ચીનના કેટલાક અધિકારીઓ પર પ્રતિબંધો મુક્યા હતા. તેના વળતા ઘા તરીકે ચીને પણ ચૂંટાયેલા નેતાઓ, સંશોધકો અને સંસ્થાઓ પર પ્રતિબંધો મુક્યા હતા.

ચીન સામે આંતરરાષ્ટ્રીય કાનૂની મંડળ તૈયાર થાય અને તપાસ થાય તે બાબતમાં એક ગૂંચ એ રહેલી છે કે ચીને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) માટે સહી કરેલી નથી. તેથી તે તેના કાર્યક્ષેત્રની બહાર છે.

આ ઉપરાંત ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં તેની પાસે વીટો પાવર છે. ICCએ ડિસેમ્બરમાં એક કેસ ચલાવવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.

ગયા અઠવાડિયે સ્વતંત્ર રીતે આ બાબતમાં સુનાવણીની એક શ્રેણી ચાલી હતી, જેની આગેવાની બ્રિટનના અગ્રણી બૅરિસ્ટર સર જ્યૉફ્રી નાઇસે લીધી હતી. તેમનો હેતુ જિનોસાઇડના આક્ષેપો કેટલા ટકે તેવા છે તેની તપાસ કરવાનો હતો.

(10:13 pm IST)