Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ચૂંટણી પહેલા પંજાબની રાજનીતિમાં મોટો વળાંક : શિરોમણી અકાલીદળ અને બસપાનું ગઠબંધન : કાલે સત્તાવાર જાહેરાત

એનડીએ સાથે ગઠબંધન તોડ્યા બાદ અકાલીદળની દલિત વોટબેન્ક પર નજર : પંજાબમાં 33 ટકા દલિત મતદારો

નવી દિલ્હી : આવતા વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઈને શિરોમણી અકાલી દળ (SAD)એ ગયા વર્ષે ભાજપ સાથે ગઠબંધન તોડ્યું હતું, ત્યારબાદ રાજ્યમાં એક નવું સમીકરણ દેખાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ  SAD અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) વચ્ચે ગઠબંધનની ઘોષણા કરવામાં આવશે.

બંને પક્ષોએ આગામી રાજ્યોની ચૂંટણીમાં એક સાથે આવવાનું નક્કી કર્યું છે અને આવતીકાલે તેની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. બસપા અને SADની વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવા માટે બસપાના મહાસચિવ સતિષ મિશ્રા પણ ચંદીગઢ પહોંચ્યા છે. આવતીકાલે મિશ્રા અને અકાલી દળના નેતા સુખબીર બાદલ ગઠબંધનની ઘોષણા કરશે.

રાજ્યમાં મોટી સંખ્યામાં દલિત મતદારોની હાજરીને કારણે આ જોડાણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. બંને પક્ષો વચ્ચે ચૂંટણી માટે બેઠકોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અકાલી દળ આગામી ચૂંટણીઓમાં બસપાને 18 બેઠકો આપવા રાજી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી આગામી ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે વરિષ્ઠ સ્તરે બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો હતો. મામલો સીટોની વહેંચણીને લઈને ફસાયો હતો પરંતુ હવે સમાધાન થઈ ગયું છે. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ સુખબીર બાદલ અને માયાવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા.

પંજાબમાં લગભગ 33% દલિત મતો છે અને અકાલી દળની નજર આ મોટી દલિત વોટ બેંક પર છે. તેઓ બસપાની સહાયથી આ દલિત વોટબેંકને સુરક્ષિત કરીને ફરી એકવાર સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યા છે. દલિત વોટ બેંકને લલચાવવા માટે, અકાલી દળે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે જો રાજ્યમાં અકાલી દળની સરકાર બનાવવામાં આવશે તો નાયબ મુખ્યમંત્રી દલિત વર્ગમાંથી બનાવવામાં આવશે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી છેલ્લા 25 વર્ષથી પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી લડી રહી છે. જો કે પાર્ટીને ક્યારેય મોટો વિજય મળ્યો નથી. આ હોવા છતાં તે હજી પણ દલિત વોટબેંકને પ્રભાવિત કરે છે.

(9:44 pm IST)