Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

યુએસે કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ન આપી

ભારત બાયોટેકની કોવેક્સિન ફરી એક વખત ચર્ચામાં : અમેરિકાના ફૂડ-ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોવેક્સિનની ઇમરજન્સી ઉપયોગ માટેની અરજીને ફગાવી દીધી

નવી દિલ્હી, તા. ૧૧ : ભારત બાયોટેકની કોવેક્સિન ફરી એક વખત ચર્ચામાં આવી છે. કોવેક્સિનને અમેરિકાએ ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી નથી. આ ભારત માટે એક ઝટકા સમાન છે, કારણ કે કોવેક્સિન ભારતની સ્વદેશી વેક્સિન છે. આ સિવાય ભારતે વિશ્વવ સ્વાસ્થ્ય સંગઠન સમક્ષ પણ આ રસીની મંજૂરી માટે અરજી કરી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા કોવેક્સિનની ઇમરજન્સી ઉપયોગ માટેની અરજીને ફગાવી દીધી છે.

જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય સલાહકાર ડો. ફાઉચીએ કોવેક્સિન પ્રભાવી હોવાની વાત સ્વીકારી હતી. આશંકા છે કે અમેરિકાના આવા વલણથી ભારતના એ અભિયાનને પણ ફટકો લાગશે, જે અંતર્ગત ભારત કોવેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસે મંજૂરી અપાવવા માંગે છે.

ભારત બાયોટેકની કોવેક્સિન માટે અમેરિકીન ભાગીદારી ઓક્યુઝેનને અમેરિકી દવા નિયામક એફડીએ પાસે માસ્ટર ફાઈલ મોકલીને ઈમરજન્સીની મંજૂરી માંગી હતી. એફડીએએ ભારત બાયોટેકની કોવિડ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ (ઈયુએ)ના આવેદનને રદ કરી અને વધુ ડેટા માંગ્યા છે. ઓક્યુઝને ગુરુવારે કહ્યું કે તે હવે કોવેક્સિનના ઇમરજન્સી  વપરાશ માટેની મંજૂરી નહીં માંગે, પરંતુ તેના એન્ટી કોવિડ શોટની પુરી મંજૂરી લેવાના પ્રયત્ન કરશે.

કંપનીએ જણાવ્યું કે તેમને આશા છે કે કોવેક્સિન માટે માર્કેટીંગ એપ્લિકેશન સબમિશનનું સમર્થન કરવા માટે એડિશ્નલ ક્લિનિકલ ટ્રાયલ્સમાં ડેટાની જરૂરિયાત રહેશે. એફડીએ દ્વારા ભઆરત બાયોટેકને વધુ એક ક્લિનિકલ ટ્રાયલ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તે બાયોલોજિક્સ લાઇસેંસ માટે અરજી કરી શકે. , જે સંપૂર્ણ મંજૂરી મેળવવા માટે જરુરી છે. ઉલ્લેખનીય છે કે ઓક્યૂજેન અમેરિકાની ફાર્મા કંપની છે, જે અમેરિકી માર્કેટ માટે ભારત બાયોટેકની કોવેક્સિન બનાવવાનું કામ કરી રહી છે.

(7:45 pm IST)