Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

બેંગલુરૂમાં ચાલતું ગેરકાયદે ટેલિફોન એક્સ. પકડી પડાયું

પાકિસ્તાન જાસૂસી સંસ્થાએ ભારતમાં સૈન્ય સંસ્થાને ફોન કર્યો : સૈન્યની સાઉધર્ન કમાન્ડની મિલિટરી ઈન્ટેલિજન્સ પાંખે ગેરકાયદે એક્સચેન્જ પકડી પાડયું, બે જણાની ધરપકડ

નવી દિલ્હી, તા. ૧૧ : પાકિસ્તાની જાસૂસી એજન્સી દ્વારા પૂર્વીય ભારતમાં સ્થિત એક સૈન્ય સંસ્થાન પર કરાયેલા ફોન કોલ પછી થયેલી તપાસમાં બેંગ્લુરુમાંથી એક ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ટેલિફોન એક્સચેન્જને પગલે દેશમાં અન્ય સ્થળો પર પણ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચાલી રહ્યા છે કે કેમ તેવો સવાલ ઊભો થયો છે.  સૈન્યની સાઉધર્ન કમાન્ડની મિલિટરી ઈન્ટેલિજન્સ પાંખે આ ગેરકાયદે એક્સચેન્જ પકડી પાડયું હતું. સૈન્ય સંસ્થાનને કરાયેલો કોલ મિલિટરી એજન્સીએ આંતર્યો હતો. કોલ દરમિયાન પાકિસ્તાનના એક જાસૂસે વરિષ્ઠ અધિકારી હોવાનો ડોળ કરી કેટલીક સામાન્ય માહિતી અંગે પૂછપરછ કરી હતી.

બેંગ્લુરુ સ્થિત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વૉડે સાઉધર્ન કમાનની મિલિટરી ઈન્ટેલિજન્સ એજન્સીની મદદથી ગેરકાયદે એચ્સચેન્જ ચલાવનારા બે લોકોની ધરપકડ કર્યા પછી આ ઘટસ્ફોટ થયો હતો. તેમની પાસેથી ૩૨ સિમ બોક્સ ઉપકરણ જપ્ત કરાયા હતા, જે એક જ વખતમાં ૯૬૦ સિમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. કેરળના માલાપ્પુરમના રહેવાસી ઈબ્રાહિમ મુલાત્તિ બીન મોહમ્મદ કુટ્ટી અને તામિલનાડુના તિરુપુરના રહેવાસી ગૌતમ બી. વિશ્વનાથને તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે શહેરના છ વિસ્તારોમાં ૩૧ ઉપકરણો લગાવ્યા હતા.

ગુપ્તચર વિભાગના પૂર્વીય ભારતમાં સૈન્ય સંસ્થાનને આવેલા ફોન અંગે વધુ તપાસ હાથ ધરી હતી. તેમને જણાયું હતું કે વિવિધ એકમો જેમ કે 'મૂવમેન્ટ કંટ્રોલ ઓફિસ' સાથે જ પ્રિન્સિપાલ કોન્ટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ વગેરે ઓફિસોમાં પણ આવા ફોન કોલ કરી તેમની પાસેથી માહિતી માગવામાં આવી હતી. ઊંડી તપાસ પછી આ સંપૂર્ણ કૌભાંડનો ખુલાસો થયો હતો, જેમાં પાકિસ્તાન સ્થિત જાસૂસી સંસ્થાના લોકો ભારતીય નાગરિકોનો સંપર્ક કરવા અને સૈન્ય સંસ્થાઓની માહિતી મેળવવા માટે આ ગેરકાયદે એક્સચેન્જના માધ્યમથી કૉલ કરતા હતા.

અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાની જાસૂસી સંસ્થાના કર્મચારીઓએ ઈન્ટરનેટ મારફત કરાતા કૉલ (વીઓઆઈપી)ને સામાન્ય ભારતીય મોબાઈલ કોલમાં બદલી નાંખે તેવા ગેરકાયદે કોલ એક્સચેન્જમાં રોકાણ કરવાની રીત અપનાવી છે. આ ગેરકાયદે સંચાલન માટે એસઆઈએમ બોક્સનો ઉપયોગ કરાય છે, જે સમાનાંતર ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ ચલાવવાનું કામ કરે છે.

અધિકારીઓએ કહ્યું કે સબસ્ક્રાઈબર આઈડેન્ટિટી મોડયુલ (સીમ) બોક્સ જેને એસઆઈએમ બેક્ન તરીકે પણ ઓળખાય છે તે એક હાર્ડવેર આધારિત ઉપકરણ છે અને તેનો ઉપયોગ ટેલિકોમ સેક્ટરમાં સીધા ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન્સ (જીએસએમ) ટેલિકોમને ખતમ કરવા માટે થાય છે. એક ઓપરેટર સિમ કાર્ડના 'માઈગ્રેશન' નામની ટેકનિકનો ઉપયોગ કરે છે, જેમાં સિમ કાર્ડની નોંધણી ચોક્કસ ફ્રિક્વન્સી સાથે અલગ જીએસએમ મોડયુલ પર થાય છે અને શહેરમાં સ્થિત અનેક જીએસએમ ગેટવે બને છે અને આ સિસ્ટમ ગ્રાહકની વાસ્તવિક હિલચાલ અંગે ભ્રમ પેદા કરે છે. આમ કરવાથી ઓપરેટર સિમ કાર્ડને સેવા પૂરી પાડતી કંપની દ્વારા બ્લોક થવાથી અને સરકારી એજન્સીઓને ભ્રમજાળમાં નાંખવામાં મદદ મળે છે.

(7:45 pm IST)