Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

લક્ષદ્વિપ પોલીસે ફિલ્મ મેકર આઈશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો : એક ટીવી ડિબેટ દરમિયાન લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને કેન્દ્રનું “બાયો વેપન” ગણાવતી ટિપ્પણી કરવા બાબતે રાજદ્રોહનો આરોપ લગાવાયો

નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વિપ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. એવામાં હવે લક્ષદ્વિપ પોલીસે ગુરુવારે ફિલ્મ મેકર આઈશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે. આઈશા પર એક ટીવી ડિબેટ દરમિયાન લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને કેન્દ્રનું બાયો વેપન ગણાવતી ટિપ્પણી કરવા બાબતે રાજદ્રોહનો આરોપ લગાવાયો છે.

ભાજપના લક્ષદ્વિપ યુનિટના અધ્યક્ષ અબ્દુલ કાદર દ્વારા કરવત્તી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે આઈશા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમનું કહેવું છે કે, આઈશા સુલતાનાએ એક મલયાલમ ચેનલમાં ડિબેટ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોના સંક્રમણ પાછળ પ્રફુલ પટેલનો હાથ છે. આઈશાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે લક્ષદ્વિપમાં કોરોનાના ફેલાવા માટે બાયો વેપનનો ઉપયોગ કર્યો છે.

કરવત્તી પોલીસ દ્વારા દાખલ FIR મુજબ, ફિલ્મ નિર્માતા આઈશા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124-એ (રાજદ્રોહ) અને 153-બી (અભદ્ર ભાષા) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

BJP નેતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, સુલતાનાનું એક રાષ્ટ્ર વિરોધી કૃત્ય હતું. જેનાથી કેન્દ્ર સરકારની દેશભક્તિની છબી ખરડાઈ છે. આટલું જ નહીં, તેમણે આઈશા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. અગાઉ પણ ભાજપે ફિલ્મ મેકર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતાં લક્ષદ્વિપમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જણાવી દઈએ કે, આઈશા સુલતાના લક્ષદ્વિપના ચેટિયાથ દ્વિપની રહેવાશી છે. સ્થાનિક મૉડલ અને અભિનેત્રી સુલતાનાએ અનેક મલયાલમ ફિલ્મ નિર્માતાઓ સાથે કામ પણ કર્યું છે.

(5:05 pm IST)