Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

અનુભૂતિ સરળ છે, પણ માણસ અઘરો છેઃ પૂ. ભાઇશ્રી

માણસ માટે સરળ થવું સૌથી કઠીન સાધના છેઃ પૂ. રમેશભાઇ : માણસ પ્રતિક્રિયામાં જીવે છે, જે ગુલામી છે : અંધારા સાથે લડવાને બદલે દીવો પ્રગટાવો : ગીતાજીના અર્થો ઉકેલી શકાય છે, પરંતુ માણસને ‘ઉકેલવો' અઘરો પડે છે : ખુદ પર કાબૂ ગુમાવ્‍યો તેથી માણસ ભટકી ગયો : વાણી-વિચાર-વર્તનમાં ઐકય મહાત્‍માનું લક્ષણ છે : જાતને મેનેજ કરવાની કળા શીખાઇ જાય તો આનંદ હી આનંદ હૈ

વિશ્વપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ.શ્રી રમેશભાઇ ઓઝાએ સ્‍વના મેનેજમેન્‍ટ વિષય પર મનનીય પ્રવચન આપ્‍યું હતું. તેઓશ્રીએ જણાવ્‍યુ હતુ કે, જીવન સરળ છે, માણસ અઘરો છે. ઐશ્વરીય અનુભૂતિ સૌથી સરળ બાબત છે, માણસે તેને અઘરી કરી દીધો છે. અનુભૂતિ પ્રાપ્ત કરવા વિશેષ કંઇ જ કરવાનુ નથી, માણસે સરળ થવાનુ છે જો કે માણસ માટે સરળ થવુ સૌથી કઠીન કામ છે.

પૂ.ભાઇશ્રીએ કહ્યું હતુ કે, ભગવાન રામચંદ્રજીમાં ખૂબ સરળતા જોવા મળે છે. તેથી રામજીને હેરાન કરવામા આવ્‍યા. જો કે રામ પરેશાન થયા ન હતા તેથી પૂજા આ છે આ સામે કૃષ્‍ણાવતાર પર નજર કરો. કૃષ્‍ણ નામ પણ વાંકુ અને કામ પણ વાંકુ... વાંકા માણસને સીધો કરવા માટે ભગવાન વાંકા થયા હતાં.

પૂ.ભાઇશ્રીએ જણાવ્‍યુ હતુ કે, માણસને સ્‍વનું એટલે કે ખુદનુ મેનેજમેન્‍ટ ન આવડયુ તેથી તે અઘરો થઇ ગયો. સતત વાંચન-ચિંતન-મનન અને મહાત્‍માઓની કૃપાથી ગીતાના અર્થો ઉકેલી શકું છું, રામાયણ પણ સમજાતુ જાય છે. પરંતુ માણસ સમજાતો નથી. માણસ ખુદ પર કાબૂ-કન્‍ટ્રોલ રાખી શકતો નથી. માણસ પોતે જ પોતાને નડે છે.

પૂ.ભાઇશ્રીએ પ્રવચન દરમિયાન શાષાોકત શ્‍લોકના અનુસંધાન લઇને વિષયના ઉંડાણની વાતો કરી હતી. તેઓ શ્રીએ જણાવ્‍યુ હતુ કે, બ્રહ્માંડમાં બધું જ બ્રહ્મ છે બ્રહ્મ સિવાય કંઇજ નથી અને બ્રહ્મ એટલે આનંદ.  બધું જ આનંદમય છે. દુઃખ તો માણસનુ સર્જન છે. માણસ વિચારે છે જુદું, કહે છે જુદું અને  કરે છે. જુદું.. વાણી-વિચાર અને વર્તનમા ઐકય મહાત્‍માનુ લક્ષણ છે. વેશભૂષાથી મહાત્‍મા કે દુરાત્‍માની ઓળખ  ન થઇ શકે ઇશ્વરની આરાધના એટલે અખંડની આરધના ઐકયની આરાધના વિચારવાણી-વર્તનમાં એૈકય અને અખંડતા જળવાય એ શ્રેષ્‍ઠ આરાધના કહેવાય માણસ આ ઐકયના મેનેજમેન્‍ટમા નિષ્‍ફળ ગયો છે. આપણે પ્રતિક્રિયામાં જીવીએ છીએ, જેને ગુલામી કહી શકાય.

પૂ. ભાઇશ્રી કહે છે કે, સ્‍વસ્‍થ શબ્‍દની વ્‍યાખ્‍યા એ થાય કે, જે માણસ સ્‍વમાં સ્‍થિત હોય, સ્‍વમાં સ્‍થિર હોય એ  સ્‍વસ્‍થ. સ્‍વથી દૂર થાય એ અસ્‍વસ્‍થ અન્‍યની ભૂલ હોય ત્‍યારે આપણે ન્‍યાયધીશ બની જઇએ છીએ અને ખુદની ભૂલ હોય ત્‍યારે આપણે વકીલ બની જઇએ છીએ. અધ્‍યાત્‍મનું ક્ષેત્ર એવુ છે. જેમા અન્‍ય પર નજર રાખવાને બદલે ખુદનુ મેનેજમેન્‍ટ કરવાનુ હોય છે. ખુદ પરનો કાબૂ કેળવવાનો હોય છે.  સ્‍વના મેનેજમેન્‍ટમાં થોડી ગરબડ થાય તો પણ કેટેગરી નીચી ઉતરી જાય છે.

પૂ.ભાઇશ્રીએ દ્રષ્‍ટાંતકથા આપીને જણાવ્‍યુ હતુ કે, કોઇ સાધુ સંસારીની ઝપટે ચઢી જાય તો તેમને બહાર નીકળવુ અઘરૂ થઇ જાય છે. દરેક કથા કથાકારનું  ખુદનું ઘડતર કરે છે. ગાંધીનગર અક્ષરધામમાં એક મૂર્તિ છે જે મને ખુબ ગમી છે આ મૂર્તિમાં  એક માણસ હથોડી અને ટાંકણું લઇને ખુદનુ ઘડતર કરે છે. આ રીતે કથાવકતા ખુદનુ ઘડતર કરવા લાગે તો મોટી વાત બની જાય.

પૂ.ભાઇશ્રીએ ભાવુક બનીને કહ્યું હતું કે, જાતને મેનેજમેન્‍ટ કરવાની કળા શીખાઇ જાય તો આનંદ-આનંદ જ પ્રસરી જાય. અંધારા  સાથે ગમે તેટલુ લડો, કોઇ પરિણામ નહિ મળે આપણો પ્રયાસ લડવાને બદલે એક દીવડો પ્રગટાવવાનો હોવો જોઇએ.

પૂ.ભાઇશ્રીએ જણાવેલું કે, શ્વાસના સરવૈયા કાઢવા જોઇએ વર્ષ દરમિયાન કેટલા શ્વાસ કયાં ખર્ચાયા તેનો હીસાબ કરવો જોઇએ આવા સરવૈયાના તારણો માણસને સાચી દિશાનું ભાન કરાવે છે.

(2:13 pm IST)