Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ભારતે ટેરીફ ભલે ઘટાડ્યા, અમને માન્ય નથી : ટ્રમ્પ

અમેરિકાને હવે વધુ બેવકૂફ બનાવી શકાશે નહિ : અમે અહીંથી બાઇક મોકલીએ તેના ઉપર ભારતમાં ૧૦૦ ટકા ટેકસ લાગે : અને ભારત અમારે ત્યાં બાઇક મોકલે તેના ઉપર કોઇ ટેકસ લાગતો નથી : અમે એવી બેન્ક બની ગયા છીએ જેને સહુ લૂંટે છે !!

નવી દિલ્હી, તા. ૧૧ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારતે ભલે અમેરિકન બાઇક પર આયાત ટેરિફ ૧૦૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરી દીધી, પરંતુ હજુ વધારે જ છે અને તે અસ્વીકાર્ય છે. ટ્રમ્પે કહ્યું કે તેમના નેતૃત્વમાં અમેરિકાને હવે વધુ 'બેવકૂફ'બનાવી શકશે નહીં. ટ્રમ્પે કહ્યું કે અમે બેવકૂફ દેશ નથી કે અમને બનાવી દેવામાં આવે. તમે ભારતને જુઓ જે અમારો સારો મિત્ર છે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ શું કર્યું? બાઇક પર ૧૦૦ ટકા ટેકસ, અમે તેમની પાસેથી કોઇ ચાર્જ લીધો નથી. આ વાત ટ્રમ્પે સીબીએસ ન્યૂઝના ઇન્ટરવ્યુમાં કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારતમાં અમેરિકન બાઇક હાર્લે ડેવિડસન પર લગાવમાં આવતા આયાત ટેકસની તરફ ઇશારો કર્યો હતો. ટ્રમ્પ માટે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે અને તેઓ ઇચ્છે છે કે ભારત તેના પર લગાવામાં આવેલા તમામ ટેરિફને ખત્મ કરી દે.

ટ્રમ્પે કહ્યું કે જયારે અમે અહીંથી બાઇક મોકલીએ છીએ. તો ૧૦૦ ટકા ટેકસ લાગે છે પંરતુ જયારે તેઓ પોતાના દેશમાંથી અહીં બાઇક મોકલે છે તો કોઇ પણ ટેકસ લાગતો નથી. તેમણે કહ્યું કે આ મુદ્દે પીએમ નરેન્દ્રભાઇ મોદી સાથે વાત કરી છે અને કહ્યું કે આ એકદમ અસ્વીકાર્ય છે. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીએ એક ફોન કોલ પર ટેકસ ૫૦ ટકા કરી દીધો છે. પરંતુ હજુ પણ વધુ છે અને તે સ્વીકાર્ય નથી.

ટ્રમ્પે કહ્યું કે બંને દેશ આ મુદ્દાને ઉકેલવા પર કામ કરી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં અમેરિકન રાષ્ટ્રપતિ એ કહ્યું કે અમે એવી બેન્ક બની ગયા છીએ જેને દરેક લોકો લૂંટે છે અને તે દ્યણા સમયથી કરી રહ્યા છે. અમારી વેપાર ખાધ ૮૦૦ અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઇ છે. તમે જ જણાવો આવા કરારો કોણે કર્યા.

(2:01 pm IST)