Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાવાઝોડુ કાલે ત્રાટકશેઃ સૌરાષ્‍ટ્ર કચ્‍છમા તંત્ર સાબદુ

દરિયા કિનારે એક નંબરનુ સિગ્નલ યથાવતઃ ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દેવભુમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, પોરબંદર, કચ્‍છમાં ભારે વરસાદની ચેતવણી

રાજકોટ, તા.૧૧: અરબી સમુદ્રવાળી સિસ્‍ટમ્‍સ મજબુત બનીને ડિપ્રેશનમા પરિવર્તિત થતા. આગામી ૨૪ કલાકમા વાવાઝોડામાં પરિવર્તિત થવાની હવામાન વિભાગની અગાહીના પગલે કાલે વાવાઝોડુ ત્રાટકે તે પહેલા તંત્ર સાબદુ થઇ ગયું છે.

જેથી, અમરેલી, ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભુમિ દ્વારકા કચ્‍છ જીલ્લામા આ વાવાઝોડાના પગલે ભારે વરસાદની ચેતવણી આપવામા આવતા તંત્ર દ્વારા અગમચેતીના પગલા ભરવામા આવી રહ્યા છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરીયા કાંઠે અને દરિયામાં ૫૫ થી ૧૦૦ કિમી સુધી ભારે પવન ફૂકાવાની શકયતા વ્‍યકત કરી છે. આગામી તા. ૧૧-૧૨ અને તા. ૧૩મી જૂને છૂટોછવાયો વરસાદ પણ થવાની સંભાવના હોય ખાસ કરીને માછીમારોને તંત્ર દ્રારા દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારદ્યીએ જિલ્લાના માછીમારોને સાવચેત કરવા તેમજ બંદર વિસ્‍તારમાં અધિકારીઓને આ મુદે સંકલન કરવા જણાવાયું છે.

દેવભૂમિ દ્વારકા

(વિનુભાઇ સામાણી દ્વારા)દેવભૂમિ દ્વારકાઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૨-૬-૧૯ થી ૧૪-૬-૧૯ સુધી ભારે વરસાદ તેમજ તા.૧૩-૬-૧૯થી ૧૪-૬-૧૯ સુધી ૯૦ થી ૧૦૦ કિ.મી./કલાકની ઝડપે પવનની ગતી રહેવાની ચેતવણી જાહેર કરેલ છે. જે અન્‍વયે માછીમારો કે બોટો દરીયામા ન જાય તેની તકેદારી રાખવા તેમજ સબંધિત વિભાગોને સતર્ક રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા સુચના આપવામાં આવેલ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્વમાં ઉદભવેલ ડીપ્રેશનના કારણે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને જામનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે  જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્‍ચાર્જ કલેકટરશ્રી પ્રશસ્‍તિ પારીકના અધ્‍યક્ષ સ્‍થાને તાત્‍કાલીક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં, અધ્‍યક્ષશ્રી દ્વારા માછીમારોને પરત આપવાની સુચના તેમજ વોર્નીંગ સિગ્‍લંસના પ્રસારણ માટે મરીન વિભાગને સુચના આપવામાં આવી હતી તેમજ આગામી  તા.૧૧-૬-૧૯ થી ૧૩-૬-૧૯ સુધી ભારે વરસાદ તેમજ તા.૧૨-૬-૧૯થી ૧૩-૬-૧૯ સુધી ૧૦૦ થી ૧૨૦ કિ.મી./કલાકની ઝડપે પવન ફુકાવાની ચેતવણી જાહેર કરેલ છે. જે અન્‍વયે માછીમારો કે બોટો દરીયામા ન જાય તેની તકેદારી રાખવા તેમજ કંટ્રોલ રૂમને સતર્ક રહેવા અગરીયાઓને દરીયાથી દુર રહેવા અને હાલના તબ્‍બકે તેમની પ્રવૃતિ સ્‍થગીત કરવા અને સબંધિત વિભાગોને સતર્ક રહેવા તેમજ તાલુકા સ્‍તરે પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઈન્‍ચાર્જ કલેકટરશ્રી પ્રશસ્‍તિ પારીક દ્વારા અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.ᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્‍દ્ર સરવૈયા, મદદનીશ કલેકટરશ્રી યોગેશ ચૌધરી, ડી.વાય.એસ.પી.શ્રી સૈયદ, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી કોટા, વિવિધ વિસ્‍તારના પ્રાંત અધિકારીઓ અને ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટના સભ્‍યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

માળીયા મિયાણા

(રજાક બુખારી દ્વારા)માળીયા મિયાણાઃ ગુજરાત રાજયમાં મૌસમ વિભાગ દ્વારા  તા.૧૨ જુનના રોજ સાંજે વાવાઝોડુ ત્રાટકે તેવી શકયતા છે તેમજ ૧૩ થી ૧૪ જુન દરમિયાન સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્‍છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે જે હાલ વેરાવળના દરીયાકાંઠેથી ૧૦૨૦ કીમી દુર દક્ષિણ પૂર્વમાં લો પ્રેશર સર્જાયુ છે જે આગામી સમયમાં શક્‍તિશાળી બની ૯૦ થી ૧૦૦ કિમીની ઝડપે ભારે પવન સાથે દરીયાકાંઠાના વિસ્‍તારોમાં ત્રાટકી શકે તેવી શક્‍યતા છે તેમજ ૧૩ અને ૧૪ જુન દરમિયાન તોફાની વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે જેથી દરિયામાં તોફાનની શક્‍યતાને પગલે નવલખી બંદર પર ચેતવણીના ભાગરૂપે એક નંબર સિગ્નલ મૂકી દેવામાં આવ્‍યુ છે તેમજ માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપી દેવામાં આવેલ છે રાજયમાં ભારે વરસાદ તેમજ ઝડપી પવન ફૂંકવાની મૌસમ વિભાગની આગાહીને પગલે મોરબીના નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે પૂર્વ મધ્‍ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવ્‍યું છે સાથે જ માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે દરિયામાં તોફાનની શક્‍યતાને પગલે બંદરો પણ ચેતવણીના સિગ્નલ લગાવવામાં આવ્‍યા છે અને તકેદારીના તમામ શક્‍ય પગલાઓ લેવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છેકે આગામી ચોમાસુ સક્રીય થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેથી ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્‍ટ્રી થાય તેવા ઉજળા સંજોગો સર્જાયા છે ત્‍યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને ધ્‍યાને રાખીને બે ત્રણ દિવસોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેને પગલે મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદરે એક નંબરનુ સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ના ખેડવા સુચના અપાઇ છે

 ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર  સર્જવાના કારણે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્‍ટ્રના દરિણાકાંઠે તેમજ દરિયામાં ૫૫થી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ વ્‍યકત કરી છે આગામી તા.૧૧થી૧૪ જૂન સુધી હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે ભાવનગર જિલ્લા કલેકટરતંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ કાંઠાળા વિસ્‍તારના રહેવાસીઓને સાવચેત રહેવાની અને આકસ્‍મિક પરિસ્‍થિતિમાં સલામત સ્‍થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે જિલ્લાના તમામ અધિકારીઓને સંભવિત પરિસ્‍થિતિઓને પહોંચી વળવાની તૈયારી સાથે સચેત રહેવા તેમજ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના પ્‍લાન મુજબ કાર્યવાહી કરવા અને જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંકલનમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

(11:04 am IST)