Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સરકારને અસ્થિર કરવાની તક અપાશે જ નહીં : મમતા બેનર્જી

ભાજપને મમતા બેનર્જી દ્વારા ચેતવણી અપાઈ : બંગાળમાં રાજકીય હિંસાના મુદ્દે ટિપ્પણીનો ઇન્કાર કર્યો

નવીદિલ્હી, તા. ૧૦ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજે હાવડામાં રાજ્યસ્તરની બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રી અને સિનિયર પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મિડિયા સાથે વાતચીત કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભાજપ સરકાર તેમને હેરાન કરવાના પ્રયાસ કરી રહી છે. મમતાએ એવી ચેતવણી પણ આપી હતી કે, તે કોઇ પાર્ટીને પોતાની સરકારને ગબડાવી દેવાની તક આપશે નહીં. રાજ્યમાં વર્તમાન કટોકટી વચ્ચે ભાજપના નેતા, ધારાસભ્યો અને મંત્રીઓ દ્વારા રાષ્ટ્રપતિ શાસનની માંગ કરવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, સરકારને અસ્થિર કરવાની કોઇને તક આપવામાં આવશે નહીં. જો કે, રાજકીય હિંસાને લઇને મમતા બેનર્જીએ કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે હિંસાનો દોર જારી રહ્યો છે. ભાજપે આજે કાળા દિવસ તરીકે વિરોધ પ્રદર્શન કરીને દેખાવો કર્યા હતા. રાજ્યમાં હિંસાના પરિણામ સ્વરુપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

(12:00 am IST)