Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પત્રકાર જે ડે હત્યા કેસ : દુબઇ સ્થિત ગેંગસ્ટર રવિ રતેસર હવે સીબીઆઇ માટે આખરી અવરોધ

મુંબઇ તા. ૧૧ : અન્ડર વર્લ્ડ ગેંગસ્ટર રાજેન્દ્ર સદાશિવ નિખાલજે ઉર્ફે છોટા રાજન તેના આઠ સાથીદારો સાથે ૨જી મેના પત્રકાર જ્યોર્તિમય ડે (જે ડે )ની હત્યા માટે ગુન્હેગાર ઠર્યા છે. સીબીઆઇ માટે અનેક ઉતાર ચઢાવવાળા આ કેસમાં હવે તપાસનીશ ટુકડી એક મોટો બ્રેક થ્રુ લેવા જઇ રહી છે. આ ટુકડી રવિરામ રતેસર નામના ગેંગસ્ટરને આ કેસમાં દુબઇથી ભારત લાવવાની કસરત કરી રહી છે.

રાજન પછી જે ડે હત્યા કેસનો બીજો મુખ્ય ષડયંત્રકાર રતેસર છે. તેને ગુન્હેગાર ઠેરવવો એ સીબીઆઇ માટે મહત્વની કામગીરી છે. આ કેસમાં સંડોવાયેલા પોલસન જોસેફ ઉર્ફે પોલને નિર્દોષ છોડાયા બાદ રતેસરને ગુન્હેગાર ઠેરવવો અઘરો બનશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી સીબીઆઇએ રતેસર વિરૂધ્ધના વધુ પુરાવાઓ રજુ કરવા પડશે. રતેસરની સીધી સંડોવણી સાબીત કરવી પડશે. રાજનના કહેવાથી રતેસરે જે ડે નું કામ તમામ કર્યાનું હવે સીબીઆઇએ કોર્ટમાં સાબિત કરવું પડશે.

૨૦૧૧થી ૨૦૧૮ સુધી રતેસર આ કેસની મુખ્ય ગુત્થીરૂપ બનેલો છે. ૨૦૧૧માં મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશ્નર હિમાંશુ રોયના વડપણ હેઠળ આ હત્યા કેસની પ્રાથમિક તપાસ થઇ હતી ત્યારથી જ રતેસરે જે ડેની હત્યા માટે વાહનો સહિતની વ્યવસ્થા કરી આપ્યાનું ખુલ્યું હતું. રતેસરનું ક્રાઇમ બ્રાંચ દ્વારા સીઆરપીસી ૧૬૪ મુજબ નિવેદન લેવાયું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, તેણે ૨૦ જેટલા ગ્લોબલ રોમીંગ સીમ કાર્ડ પોલને આપ્યા હતા. જે કાર્ડ તેણે જે ડેના શૂટરને આપ્યા હતા. આ કબૂલાતમાં છોટા રાજનના રોલની કોઇ વાત ન હતી.

આ કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાંચે રતેસરને તાજનો સાક્ષી બનાવ્યો હતો. જેના કારણે પોલ ગુન્હેગાર ઠર્યો હતો. જોકે આ કેસની તપાસ સીબીઆઇએ હસ્તગત કર્યા બાદ તપાસની આખી દિશા ફરી ગઇ હતી અને રાજન અને રતેસરે જ આ હત્યા કેસમાં મુખ્ય ભાગ ભજવ્યાનું સીબીઆઇએ બહાર લાવ્યું હતું. સીબીઆઇ તપાસના ઓચિંતા વળાંકથી રતેસર સકંજો કસાય તે પહેલા દુબઇ ઉડી ગયો હતો. જ્યાં આરામથી જીવી રહ્યો છે. સીબીઆઇએ ૨૦૧૭માં તેની સામે રેડ કોર્નર નોટીસ જારી કરી છે. એજન્સીએ દુબઇ સત્તાવાળાઓને રતેસરનું પ્રત્યારોપણ ઝડપી બને તે માટે વિનંતી કરી છે. ડે કેસમાં સીબીઆઇએ તેની સામે કોર્ટ ટ્રાયલ ચલાવી છે.

દુબઇમાં તાજેતરમાં જ રતેસર સામે ૨,૫૫,૮૧૫.૧૯નો ચેક બાઉન્સ થયાની ફરીયાદ નોંધાય છે જે સીબીઆઇ માટે આ તબક્કે ઝાટકારૂપ ગણી શકાય. આ કેસને લઇને તેને ભારત લાવવાની પ્રક્રિયા ઉપર રોક આવી શકે છે. રવિ રતેસર દુબઇમાં હજુ પણ આરામથી ફરતો જોવા મળે છે. દુબઇના બારારી વિસ્તારમાં આવેલા ડીનર કાફે લેમ્બ્રેટામાં તે અવાર-નવાર નજરે પડે છે. તેના પૂર્વ મિત્રએ ચેક પાછા ફર્યાનો કેસ નોંધાવ્યો છે. આ કેસમાં તે જામીન પર છુટયો છે.

સીબીઆઇ કહે છે અઘરૂ છે પરંતુ રવિને જે ડે કેસમાં ગુન્હેગાર ઠેરવી શકાય છે. છોટા રાજનને ૨જી મેએ ગુન્હેગાર ઠેરવાયો છે તેમાં રતેસરને જોડતા પુરાવાની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ કેસમાં રાજને જે ડેને પતાવી દેવાનો આખરી આદેશ શાર્પ શૂટર સતિષ કાલીયાને આપ્યાનું સીબીઆઇએ તપાસ દરમિયાન સપાટી પર લાવી કોર્ટ સમક્ષ મૂકયું હતું.(૨૧.૨૭)

(3:58 pm IST)