Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાજપ દેશને બરબાદ કરશેઃ છગન ભૂજબળ

૨૬ મહિના જેલમાં રહ્યા બાદ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાએ રેલી સંબોધીઃ એનસીપીમાં જ રહેવાનો છું...

મુંબઈ, તા. ૧૧ :. એનસીપીના નેતા છગન ભૂજબળે કહ્યું કે, અત્યાર સુધી સ્ટાર્ટ અપ ઈન્ડીયા અને મેઈક ઈન ઈન્ડીયા જેવા કાર્યક્રમો પછી હવે મને ભય છે કે, રૂઈન ઈન્ડીયા જેવો નારો આવશે.

એનસીપીના સીનીયર નેતા છગન ભૂજબળે ૨૬ મહિના જેલમાં વિતાવ્યા પછી પ્રથમવાર રેલીને સંબોધતા ભાજપા પર પ્રહારો કરતા કહ્યુ કે મારા પર ભ્રષ્ટાચારના ખોટા આરોપો મુકી મને ફસાવ્યો હતો અને ખોટા વચનો દ્વારા પ્રજાને મૂર્ખ બનાવાય રહી છે.

એનસીપી સ્થાપના દિન નિમિતે યોજાયેલ રેલીમાં પોતાના ૪૦ મીનીટના વકતવ્યમાં તેમણે કહ્યુ કે મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે તેથી હું જામીન પર બહાર આવ્યો છું અને હું તમામ આરોપોમાંથી મુકત થઈશે એવો મને વિશ્વાસ છે.

એનસીપી નેતાએ પોતાના ખરાબ સમયમાં સાથ આપનાર સૌનો આભાર માનતા કહ્યુ કે, ઘણી પાર્ટીના નેતાઓ મને મળવા આવ્યા હતા જેમાં ભાજપાના પણ હતા. તેમણે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, ભાજપાના પ્રધાનો દિલીપ કાંબલે, ગીરીશ મહાજન અને ગીરીશ બાપટ તથા કોંગ્રેસી નેતા રાધાકૃષ્ણ વીખે પાટીલ જેવા નામ આપ્યા હતાં.ઙ્ગ

રાજનૈતિક ભવિષ્ય અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એનસીપી મારા મુશ્કેલીના સમયમાં મારી તથા મારા કુટુંબની સાથે રહી હતી. બીજા કોઈ પક્ષમાં જવાનું હું વિચારી જ ન શકું. એનસીપીના સાંસદ સુપ્રિયા સુળે મને વારંવાર મળતા હતા. એનસીપીના વડાએ મારા કુટુંબની સતત સંભાળ રાખી હતી.

ભૂજબળે કહ્યું કે સત્તાવાળાઓએ મારી સંપત્તિ પર વારંવાર છાપા માર્યા હતા પણ તેમને મારા વિરૂદ્ધ કંઈ મળ્યુ નહોતું. મારા કુટુંબે સહન કર્યુ હતુ કેમ કે, મહિલાઓ અને બાળકો વારંવારની રેડથી ડરી ગયા હતા. બાળકોનો આ ડર દૂર કરવા માટે તેમને બીજાના ઘેર રાખવા પડયા હતા.

તેમણે ધ્યાન દોરતા કહ્યું કે જે મહારાષ્ટ્ર સદનના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો મારા પર આરોપ છે તેમાં જ ભાજપા પોતાની પાર્ટી મીટીંગો યોજે છે.

ભાજપા સરકાર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ૨૬ મહીના જેલમાં રહીને છુટયા બાદ મારા અને મારા કુટુંબીજનોના ખાતામાં ૧૫ લાખ જમા થયેલા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મેં જોયુ કે નોકરી વગરનો કોઈ યુવાવર્ગ નથી દેખાતો અને ગેસ તથા પેટ્રોલીયમ પેદાશોના ભાવો ઘણા ઓછા થઈ ગયા છે. દેશમાં કયાંય બળાત્કાર નથી થતા અને નોટબંધી પછી આતંકવાદ ખતમ થઈ ગયો છે. આ બધુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો હું આભાર માનું છું.

(3:30 pm IST)