Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અમરનાથ યાત્રા માટે કાશ્મીર પોલીસે વધુ ૨૨ હજારની કૂમક માંગી

સ્વયંભૂ રચાતા હિમશીવલીંગની યાત્રા ગયા વર્ષે ૨II લાખથી વધુ ભાવિકોએ કરી હતીઃ યાત્રાના રૂટ પર ડોગ સ્કવોર્ડઃ ૪૦ હજાર જવાનઃ બૂલેટ પ્રુફ બંકરઃ ઉપગ્રહથી નજર રાખવી જેવી બહુસ્તરીય વ્યવસ્થાઃ ૨૦૦ આતંકીઓ સક્રિય હોવાના હેવાલો

મુંબઇ, તા.૧૧: જમ્મુ કાશ્મીર પોલીસે ૨૨,પ૦૦ વધારાના અર્ધલશ્કરી દળના જવાનોની માંગણી કરી છે. અમરનાથ યાત્રાના સંપૂર્ણ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા માટે આટલા જવાનો જોઇશે. યાત્રાના આખા રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમ એક અધિકારીએ માહિતી આપી હતી.

દ.કાશ્મીરમાં હિમાલય પર્વતમાળામાં આવેલી અમરનાથ ગુફામાં સ્વયંભૂ રચાતા હિમશિવલીંગની યાત્રા ૨૮ જૂનથી ચાલુ થશે. જેમાં યાત્રાળુઓની આવ-જા પર ઉપગ્રહથી નજર રાખવી, જામર ગોઠવવા, સીસીટીવી કેમેરા, બુલટપ્રુફ બંકર, ડોગ સ્કવોર્ડ અને કિવક રિએકશન ટીમની ગોઠવણ સહિતની વ્યવસ્થા, યાત્રાના આખા રૂટ પર ગોઠવવામાં આવશે. જેમાં સેના, અર્ધ લશ્કરી દળ, જમ્મુ કાશ્મીર પોલીસ યાત્રીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. કાશ્મીર પોલીસે ૨૨પ વધારાની કંપનીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે માંગ કરી છે. એક કંપનીમાં ૧૦૦ જવાનો હોય છે. આમ ૨૨,પ૦૦ વધારાના સશસ્ત્ર જવાનો હાલ કાશ્મીરમાં ફરજ બજાવતા સુરક્ષા દળો સાથે જોડાઇને અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા જાળવશે. ગત સપ્તાહે ગૃહપ્રધાન રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા ત્યારે તેમણે અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી.આ વખતની યાત્રામાં કુલ ૪૦,૦૦૦ સુરક્ષા જવાનો ગોઠવાશે. ૨૦૧૭ની અમરનાથ યાત્રામાં કુલ ૩પ,૦૦૦ સુરક્ષા ગોઠવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આવેલા આ શિવ યાત્રાધામની બે મહિના ચાલનારી યાત્રામાં સુરક્ષા વ્યવસ્થા અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ કાળજી લઇ રહ્યું છે.હાલ કાશ્મીર ખીણ વિસ્તારમાં અંદાજે ૨૦૦ આતંકીઓ સક્રિય હોવાની ધારણા છે. ગત વર્ષે ૨,૬૦ લાખ યાત્રીઓ આ મંદિરના દર્શને ગયા હતા. આ ગુફા લિહર ખીણના અંતિમ પાતળા છેડા પર આવે છે. (૨૩.૪)

(11:55 am IST)