Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દેખાવો દરમિયાન જાહેર સંપત્તિને નુકશાન-રસ્તા પર કચરો ફેંકવાનું ગેરકાયદે

દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણીઃ લોકોને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે પરંતુ વિરોધની આ પ્રકારની રીતને કોઈપણ પ્રકારે સ્વીકારી શકાય નહિં: કોર્ટે કચરો ફેંકવાને લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મામલો ગણ્યોઃ દિલ્હીમાં તાજેતરમાં સફાઈ કામદારોએ રસ્તા પર કચરા ઠાલવી વિરોધ કર્યો હતો જેની કોર્ટે ગંભીર નોંધ લીધી

નવી દિલ્હી, તા. ૧૧ :. દેખાવ-પ્રદર્શન-વિરોધ દરમિયાન જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવુ અને રસ્તા પર કચરો ફેંકવો એ ગેરબંધારણીય છે એવી ટિપ્પણી દિલ્હી હાઈકોર્ટે કરી છે. હાઈકોર્ટે રસ્તા પર કચરો ફેંકી દેખાવ કરવાના પ્રયાસો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. કાર્યકારી ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જસ્ટિસ સી. હરીશંકરની બેંચે કહ્યુ છે કે, વિરોધની આ રીતને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.

કોર્ટ એનડીએમસીના સફાઈ કર્મચારીઓના હાલના પ્રદર્શન કાર્યક્રમોનો હવાલો આપતી હતી. સફાઈ કર્મચારીઓએ કાયમી નોકરી અને સારા વેતનની માગણીને લઈને શાસ્ત્રીભવન અને રેલભવન સહિત અનેક સ્થળે કચરો ફેંકયો હતો. જેને કારણે કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહારને અસર થઈ હતી. આ ઘટનાક્રમનો હવાલો આપતા હાઈકોર્ટે કહ્યુ હતુ કે, આ કાર્યક્રમ-વિરોધ કરવાની કોઈ રીત નથી. આ સંપૂર્ણપણે સહન ન કરી શકાય તેવુ છે કારણ કે મામલો લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યુ છે કે, દેખાવ કરવાને નાગરીકોના બંધારણીય અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે પરંતુ દેખાવ દરમિયાન જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવુ અને રસ્તા પર કચરો ફેંકવો તે બંધારણીય સ્વરૂપે અસ્વિકાર્ય છે. કોર્ટે કહ્યુ છે કે, દેખાવ કરવાની પરવાનગી છે પરંતુ પ્રદર્શનની પ્રકૃતિ પર સવાલ ઉઠાવી શકાય તેમ છે.

કોર્ટે એનડીએમસીના અધ્યક્ષને ૧૬મી જુલાઈ માટે નોટીસ જારી કરી છે ને દેખાવ કાર્યક્રમમાં સામેલ કર્મચારીઓની યાદી આપવા જણાવાયુ છે.

કોર્ટે કહ્યુ હતુ કે, હાલના સમયમાં દેખાવો દરમિયાન રસ્તા પર કચરો ફેંકવામાં આવ્યો હતો તો પોલીસ સ્ટેશન, બસ, રેલ્વેના પાટા સહિત અન્ય સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવાના અનેક ઉદાહરણ જોવામાં આવ્યા છે. દેખાવ કરવાના નાગરીકોને બંધારણીય અધિકાર અપાયા છે પરંતુ આ પ્રકારના દેખાવોને પરવાનગી આપી શકાય નહિ.(૨-૨)

(11:54 am IST)