Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન સિંગાપોરમાં: આવતી કાલની શિખરમંત્રણા પર દુનિયાની નજર

નોર્થ કોરિયાના લીડર ભારે સુરક્ષાવ્યવસ્થા સાથે પધાર્યા, પ્લેનની કોલસાઇન પણ અધ્ધવચ્ચે બદલવામાં આવીઃ ૨૫૦૦ પત્રકારો શિખરમંત્રણા કવર કરવા સિંગાપોર આવ્યા છે : ૨ કરોડ ડોલરનો ખર્ચ સિંગાપોર સરકાર આ શિખરમંત્રણા પાછળ કરશે

 

આગમન અને ઉત્સુકતા  : નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ સિંગાપોરના એરપોર્ટથી હોટેલ તરફ રવાના થયા ત્યારે તેમની કારોના કાફલાને નિહાળવા રસ્તામાં લોકો અને પત્રકારોની ભીડ જામી હતી.

સિંગાપોર તા.૧૧: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન આવતી કાલની શિખરમંત્રણા માટે સિંગાપોર પહોંચી ગયા છે. બન્ને નેતાઓ મંગળવારે સિંગાપોરના સેન્ટોસા ટાપુ પરના બીચ રિસોર્ટમાં મળશે.

ટ્રમ્પ કેનેડાથી સિંગાપોર આવ્યા હતા, જયારે કિમ જોંગ ઉન ચીન થઇને સિંગાપોર પહોંચ્યા હતા.

ગઇકાલે બપોરે સિગાપોરના વિદેશપ્રધાને ચાંગી એરપોર્ટ પર કિમ જોંગ ઉન સાથે હસ્તધૂનન કરતો ફોટોગ્રાફ સોશ્યલ નેટવર્કિગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરીને નોર્થ કોરિયાના સરમુખત્યાર સિંગાપોર પહોંચી ગયા હોવાનું જાહેર કયું હતું. કિમ એરપોર્ટથી કાળા રંગની મર્સિડિઝ બેન્ઝ કારમાં એક સેન્ટર તરફ ગયા હતા. તેમના કાફલામાં ૨૦થી વધારે કાર હતી. ત્યારપછી તેઓ રોકાણ માટેની સેન્ટ રેગિસ હોટેલમાં પહોંચ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રહેવાની વ્યવસ્થા શાંગ્રી-લા હોટેલમાં કરવામાં આવી છે.

અમેરિકાના હાલના પ્રમુખ નોર્થ કોરિયાના નેતા સાથેની મુલાકાતનો આ પ્રથમ અવસર છે. બે નેતાઓની મુલાકાતને ધ્યાનમાં રાખીને સિંગાપોરનું હવાઇ ક્ષેત્ર પણ પ્રીતબંધિત રહેશે. વિશ્વમાં શાંતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતી આ શિખરમંત્રણા પછી નોર્થ કોરિયા પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ બંધ કરે એવી શકયતા છે. આ મંત્રણા પાછળ સિંગાપોર બે કરોડ સિંગાપોર ડોલરનો ખર્ચ કરશે.

કિમ જોંગ ઉનને સિંગાપોર લઇ જવા માટે પ્યોન્ગયાંગથી ત્રણ પ્લેન રવાના થયાં હતાં. એમાંથી એક કિમનું પ્રાઇવેટ જેટ પણ હતું. આ જેટ સોવિયેટ સંઘમાં બનેલું  ilyushin-62 છે. અને એનુ સત્તાવાર નામે Chammae-1 અથવા Goshawk-2 છે. જોકે કિમ જોંગ ઉન એર ચાઇનાની ફલાઇટ 747 દ્વારા સિંગાપોર પહોંચ્યા હતા. એ ફલાઇટનો નંબર CA 122  હતો. ફલાઇટ પર નિગરાની રાખતી વેબસાઇટ ફલાઇટ રડાર-૨૪ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કિમ જોંગ ઉન ગઇ કાલે સવારે પહેલાં બિજિંગ ગયા હતા અને ત્યાંથી પ્લેન બદલીને સિંગાપોર તરફ આગળ વધ્યા હતા. પ્રવાસ દરમ્યાન પ્લેનની કોલસાઇન બદલવામાં આવી હતી. પ્લેન હવામાં હતું ત્યારે એની કોલસાઇન (નામ) CA122થી બદલીને સીએ CA061 રાખવામાં આવી હતી. (૧.૩)

 

(11:53 am IST)