Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

૨૦૧૭માં હિંસાથી દેશના અર્થતંત્રને ૮૦ લાખ કરોડ રૂપિયાનું નુકશાન

ઓસ્‍ટ્રેલીયાની એક સંસ્‍થાનો ચોંકાવનારો રીપોર્ટઃ આ નુકશાન પ્રતિ વ્‍યકિત રૂા. ૪૦ હજારથી વધુઃ હિંસાની અસર તેની સાથે જોડાયેલા લોકો ઉપર જ નહિ પરંતુ દેશ ઉપર પણ પડે છે : ૧૬૩ દેશોના અભ્‍યાસ બાદ તૈયાર કરાયો છે રીપોર્ટઃ સૌથી સારી સ્‍થિતિમાં સ્‍વિસ, ઈન્‍ડોનેશીયા અને બુર્કીનાફાસોનું સ્‍થાનઃ ૧૦ ખરાબ દેશોમાં અલસાલ્‍વાડોર, દ. સુદાન, સાઈપ્રસ, કોલંબીયા, સોમાલીયા વગેરેનો સમાવેશ

નવી દિલ્‍હી, તા. ૧૧ :  એક આંતરરાષ્‍ટ્રીય અભ્‍યાસમાં જણાવાયુ છે કે, હિંસાની અસર તેની સાથે જોડાયેલા લોકો પર જ નહિં પરંતુ દેશના અર્થતંત્ર ઉપર પણ પડે છે. ઓસ્‍ટ્રેલીયાની એક સંસ્‍થાએ પોતાના રીપોર્ટમાં જણાવ્‍યુ છે કે, ભારતે ૨૦૧૭માં લગભગ ૮૦ લાખ કરોડ રૂપિયાનું નુકશાન હિંસાને કારણે સહન કર્યુ છે. ઈન્‍સ્‍ટીટયુટ ફોર ઈકોનોમિક્‍સ એન્‍ડ પીસએ આ આંકડાની ગણતરી ક્રય શકિત ક્ષમતા (પીપીપી)ના આધારે કરી છે. રીપોર્ટમાં દુનિયાના અનેક દેશોને હિંસાથી ભારે નુકશાન થયાની વાત જણાવવામાં આવી છે.  રીપોર્ટ અનુસાર હિંસાના કારણે ગયા વર્ષે દેશે ૧૧૯૦ અબજ ડોલર એટલે કે લગભગ ૮૦ લાખ કરોડ રૂપિયાથી વધુનુ નુકશાન ઉઠાવ્‍યુ છે. આ નુકશાન પ્રતિ વ્‍યકિતના હિસાબથી લગભગ ૫૯૫.૪૦ ડોલર એટલે કે ૪૦ હજાર રૂપિયાથી વધુ છે.

બીનસરકારી આ સંસ્‍થાએ ૧૬૩ દેશોનો અભ્‍યાસ કરી રીપોર્ટ બહાર પાડયો છે. રીપોર્ટ અનુસાર હિંસાથી ૨૦૧૭માં દેશના જીડીપીના ૯ ટકાના હિસાબથી નુકશાન થયુ છે. આ દરમિયાન હિંસાથી વૈશ્વિક અર્થ વ્‍યવસ્‍થાને પીપીપીના આધાર પર ૧૪૭૬૦ અબજ ડોલરનું નુકશાન થયુ છે. આ વૈશ્વિક જીડીપીના ૧૨.૪ ટકા છે અને તે પ્રતિ વ્‍યકિત ૧૯૮૮ ડોલર થાય છે.

રીપોર્ટ અનુસાર માણસે નિયમીત રીતે પોતાના ઘર, કામ, મિત્રોની વચ્‍ચે સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્ઞાતિ, ધાર્મિક અને રાજકીય સમુહોની વચ્‍ચે આ સંઘર્ષ અને વધુ વ્‍યવસ્‍થિત રીતે થાય છે, પરંતુ આમાથી મોટા ભાગના સંઘર્ષ હિંસામાં નથી બદલતા. રીપોર્ટે જણાવ્‍યુ છે કે એશીયા પ્રસાંત વિસ્‍તાર કેટલા ઘટાડા બાદ પણ વિશ્વનું સૌથી શાંત બન્‍યુ છે. આ દરમિયાન બાહ્ય અને આંતરીક બન્ને સંઘર્ષો તથા પાડોશી દેશો સાથેના સંબંધોમાં સુધારો થયો છે પરંતુ હિંસક અપરાધ, આતંકવાદની અસર, રાજકીય અસ્‍થિરતા અને રાજકીય આતંકવાદે વિસ્‍તારમાં સ્‍થિતિ બગાડી છે.

દક્ષિણ એશીયાના વિસ્‍તારમાં અફઘાનિસ્‍તાન તથા પાકિસ્‍તાન બે સૌથી ખરાબ દેશ બન્‍યા છે. રીપોર્ટે જણાવ્‍યુ છે કે, ૨૦૧૭ દરમિયાન હિંસાના કુલ વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થા ઉપર અસર પાછલા એક દાયકામાં કોઈપણ અન્‍ય વર્ષથી વધુ છે.

ટોચના ૧૦ ખરાબ દેશોમાં અલસાલ્‍વાડોર, દક્ષિણ સુદાન, સાઈપ્રસ, કોલંબીયા, સોમાલીયા વગેરે સામેલ છે. હિંસાથી થયેલા નુકશાનના મામલે સૌથી સારી સ્‍થિતિ સ્‍વીટઝર્લેન્‍ડની રહી છે. તે પછી ઈન્‍ડોનેશીયા અને બુર્કીનાફાસોનુ સ્‍થાન છે.

હિંસાના કારણે ચીનના અર્થતંત્રને ૧૭૦૪ અબજ ડોલર, અમેરિકાને ૨૬૭૦ અબજ ડોલર, રૂસને ૧૦૦૦ અબજ ડોલર અને બ્રિટનને ૩૧૨ અબજ ડોલરનું નુકશાન થયુ છે. વિશ્વમાં પ્રતિ વ્‍યકિત નુકશાન ૧.૩૪ લાખ રહ્યુ છે. રીપોર્ટ અનુસાર એશીયા પ્રસાંત વિસ્‍તાર સૌથી શાંત છે.

(11:42 am IST)