Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

૨૫૧માં ફોન આપવાનો વાયદો કરનારની ધરપકડ

લાખો રૂપિયાની ઠગાઇનો આરોપ

નવી દિલ્હી તા. ૧૧ : ૨૫૧ રુપિયામાં ઘરે ઘરે સ્માર્ટફોન પહોંચાડવાનો વાયદો કરનાર રિંગિંગ બેલ્સ કંપનીના એમડી મોહિત ગોયલ સહિત ત્રણ વ્યકિતની દિલ્હી પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. તેની ધરપકડ રેપના એક મામલાને રફાદફા કરવા બાબતમાં બળજબરીથી વસૂલી કરવાના આરોપમાં થઈ છે. મોહિત આ પહેલા ઠગાઈના આરોપમાં ત્રણ મહિના જેલની હવા ખાઈ ચૂકયો છે. તેને ૩૧ મેના રોજ જામીન મળ્યાં હતાં.

નોંધનીય છે કે મોહિત પર આરોપ છે કે તેણે દુનિયાના સૌથી સસ્તા ફોનની લાલચમાં લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. ગત વર્ષે તેની ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેને સસ્તા ફોન બનાવવાની પ્રેરણાં નોકરાણી પાસેથી મળી હતી. જેણે તેની પાસેથી ઉધારમાં ફોન કરવા માટે માંગ્યો હતો.

આ પછી મોહિતે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું તો જાણ થઈ કે દેશમાં માત્ર ૩૦ કરોડ લોકોની પાસે જ સ્માર્ટફોન છે. આ પછી તેણે સસ્તા મોબાઈલ ફોન કંપની ખોલવાની યોજના બનાવી હતી. મોહિતે ફોન બનાવવા માટે ન્યૂઝપેપરમાંથી આઈડિયા લીધો હતો.

મોહિતે સસ્તા મોબાઈલની બ્લુપ્રિન્ટ તૈયાર કરી જેમાં તેણે અમેરિકામાંથી ટેકનોલોજીનો અભ્યાસ કરીને આવેલા અશોક ચશ્નાએ તેની મદદ કરી હતી. આ ફોન બનાવ્યા પછી તેણે ૨૦૦થી વધારે ડિસ્ટ્રિબ્યૂટર પાસેથી રૂપિયા એકઠાં કર્યા હતાં. તેમની પાસેથી આશરે ૬૦ કરોડ રૂપિયા લીધા અને તેની પર આરોપ છે કે તેણે આ ડિસ્ટ્રિબ્યૂટર્સને રૂપિયા પરત નથી કર્યાં.(૨૧.૫)

(10:19 am IST)