Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સરકારી મહેમાન

2019 લોકસભામાં 4,500 કરોડના ચૂંટણી ખર્ચ સહિત કુલ 40,000 કરોડ ખર્ચ થવાની ધારણા

લોકસભામાં એક તબક્કે કોંગ્રેસનો સુવર્ણકાળ હતો, આજે ભાજપનો ચાલી રહ્યો છે : પાર્ટીઓ ભેગી થઇને ગઠબંધન બનાવે તો પણ રાહુલને PM કેન્ડિડેટ થવા નહીં દે : ભાજપના 26 પૈકી ક્યા સાંસદને ટીકીટ મળશે અને ક્યા સાંસદનું પત્તુ કપાશે જુઓ

ભાજપમાં વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ અસહ્ય ખર્ચ થાય છે. આ ખર્ચના આંકડામાં પ્રત્યેક પાંચ વર્ષમાં બમણો વધારો થતો જાય છે. 2014માં સામાન્ય ચૂંટણી 7મી એપ્રિલ થી 12 મી મે સુધીના નવ તબક્કામાં યોજવામાં આવી હતી. 543 ઉમેદવારો માટે યોજાયેલી આ ચૂંટણીમાં એક અંદાજ પ્રમાણે 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જે 2019માં વધીને 4500 કરોડ થવાની ધારણા છે. ચૂંટણી ખર્ચના આ આંકડામાં સલામતી દળો અને રાજકીય પક્ષોના ઉમેદવારોના વ્યક્તિગત ખર્ચનો સમાવેશ થતો નથી. જો તે ખર્ચને ગણીએ તો ચૂંટણી પ્રક્રિયાનો કુલ ખર્ચ 40 હજાર કરોડ રૂપિયા કરતાં વધી શકે છે. સેન્ટર ફોર મિડીયા સ્ટડીઝના આંકડા પ્રમાણે 2014માં રાજકીય પાર્ટીઓ તેમજ તેમના ઉમેદવારોએ 30,000 કરોડનો ખર્ચ કર્યો હતો જે 2009ની ચૂંટણીની સરખામણીએ ત્રણ ગણો વધારે છે. 2012ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ખર્ચના આંકડાની સરખામણીએ વિશ્વમાં બીજાક્રમનો ખર્ચ છે. 2014ની ચૂંટણીમાં કુલ 81.45 કરોડ મતદારો હતા જે વધીને 2018માં 86.69 કરોડ મતદારો થયા છે અને 2019 સુધીમાં તે આંકડો વધીને 90 કરોડ થાય તેવી ભારતના ચૂંટણી પંચની ધારણા છે.

બ્રિટીશ ઇન્ડિયાની પહેલી ચૂંટણી 1920માં...

બ્રિટીશ ઇન્ડિયામાં પહેલું જનરલ ઇલેક્શન 1920માં થયું હતું તેને ઇમ્પિરિયલ લેજીસ્લેટીવ કાઉન્સિલ એવું નામ આપવામાં આવ્યું હતું. 104 બેઠકો હતી જેમાં 48 બેઠકો ડેમોક્રેટીક પાર્ટીને, 47 અન્ય પાર્ટી અને 9 યુરોપિયન્સ હતા. આઝાદી પછી પ્રથમ લોકસભાની ચૂંટણી 1951માં થઇ હતી. ભારતીય કોંગ્રેસને આ ચૂંટણીમાં 364 અને સીપીઆઇને 16 બેઠકો મળી હતી. કોંગ્રેસના લિડર જવાહરલાલ નહેરૂ હતા અને સીપીઆઇના લિડર શ્રીપદ અમ્રિત ડાંગે હતા. 489 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં 25 ઇન્ડિયન સ્ટેટ હતા. જો કે આ લોકસભાનું ડ્યુરેશન 25મી ઓક્ટોબર 1951 થી 21મી ફેબ્રુઆરી 1952 સુધી રહ્યું હતું. ત્યારબાદ 1957માં લોકસભાની બીજી ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસને એ સમયે 494 બેઠકો પૈકી 371 બેઠકો મળી હતી જ્યારે સીપીઆઇના ફાળે 27 બેઠકો આવી હતી. આ વખતે પ્રજા સોસાલિસ્ટ પાર્ટીને 19 બેઠકો મળી હતી. કુલ 41 અપક્ષો ચૂંટાયા હતા. આ સમયમાં ભાજપનું નામોનિશાન ન હતું. કોંગ્રેસનો આ સુવર્ણકાળ શરૂ થયો હતો.

ચિંતન શિબિરના આદેશોનો અમલ થવો જોઇએ...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સંદેશ આપ્યો છે કે કર્મચારીઓ અને અધિકારીઓએ સરકારી જીઆરનો હાર્દ સમજીને લોકોના કામોને ઝડપથી પૂર્ણ કરવા જોઇએ. એનો મતલબ એ થયો કે કર્મચારીઓ અને અધિકારીઓ સરકારી જીઆરને ઉપરવટ જઇને નિર્ણયો લેતાં હોય છે પરિણામે લોકોના કામોમાં અક્ષમ્ય વિલંબ થાય છે. ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીએ આપેલી આ સૂચનાનું પાલન થાય તે જોવાની જવાબદારી મંત્રીઓ અને અધિકારીઓની બને છે. ખાસ કરીને સરકારી યોજનાઓ, અરજદારો કે જેઓ જીઆરને અનુરૂપ અરજી કરતા હોય છે તેમને રાહત મળે તે જરૂરી છે. એક સર્વે છે કે ભાજપ શાસિત રાજ્યોમાં ઉદ્યોગોની પ્રપ્રોઝલને સૌથી ઝડપી મંજૂરી છત્તીસગઢ રાજ્યમાં મળે છે. આ રાજ્ય પછી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણાનો નંબર આવે છે. ભાજપ શાસિત રાજ્યો પૈકી સિંગલ વિન્ડો ક્લિયરન્સ અપનાવ્યા પછી પણ ગુજરાતનો ક્રમ છેલ્લો આવે છે. ગુજરાતમાં એમઓયુ કરીને ઉદ્યોગગૃહો ગુજરાત બહાર ચાલ્યા જાય છે તેનું આ એક સૌથી મોટું કારણ છે. આજે નવા ઉદ્યોગ માટે સરકારી જમીન મેળવવી એ લોટરી લાગ્યા બરાબર છે, કારણ કે સરકારી જમીન લેવા જતાં ઉદ્યોગજૂથને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય નિકળી જાય છે. પ્રાઇવેટ લેન્ડ હોય તો પણ સરકારી મંજૂરીઓમાં વાંઘા-વચકા એ સૌથી મોટો પડકાર છે. સેક્શન ઓફિસર પણ ઉદ્યોગજૂથની ફાઇલ બગાડી શકે છે.

ભૂપેન્દ્રસિંહજી, એકવાર ફિનલેન્ડ જઇ આવો...

ગુજરાતમાં કંઇ નવું કરવાની ભાજપની શક્તિ છે ત્યારે આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ એક વખત ફિનલેન્ડની મુલાકાત લેવી જોઇએ. ગુજરાત કરતાં અડધી વસતી ધરાવતો આ દેશ વિશ્વના દેશો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, કેમ કે આ દેશમાં વિદ્યાર્થીને રજા પાડવાની ઇચ્છા થતી નથી. 100માંથી 100 ગુણ મેળવે છે. તમામ ક્ષેત્રોમાં આ દેશ સૌથી આગળ છે. ફિનલેન્ડની માથાદીઠ આવક 48000 ડોલર જેટલી છે. આ દેશમાં સાત વર્ષે શાળામાં પ્રવેશ મળે છે અને 16 વર્ષ સુધી અભ્યાસ કરવાનો રહે છે. નવમા ધોરણના અંતે તેનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ થાય છે. નવ વર્ષમાં માત્ર બે વખત પાંચમા તેમજ નવમા ધોરણમાં જ પરીક્ષા લેવાય છે, ત્યારબાદ એક પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં આવે છે. 45 મિનિટના એક પિરીયડ પછી 15 મિનિટની રીસેસ રાખવામાં આવે છે. શાળાની શરૂઆત સવારે 8 થી 11ની હોય છે. વિદ્યાર્થીઓને સાત્વિક ભોજન શાળા તરફથી મળે છે. યુનિફોર્મ તો નિષેધ છે. ટીવી અને ગેજેટ્સથી અભ્યાસ થાય છે. કોર્સ પૂર્ણ કરવાને પ્રાધાન્ય નહીં પણ બાળક શું સમજે છે તેની પર ધ્યાન અપાય છે. આ સ્કૂલોમાં શિક્ષક બનવું ઇજનેર અને ડોક્ટરી જેટલું અઘરૂં હોય છે, કારણ કે શિક્ષકનો શરૂઆતનો પગાર 50 હજાર ડોલર છે. ગુજરાત અલગથી આવું મોડલ બનાવી શકે છે. તમામ ચીજો નહીં તો શિક્ષણની કેટલીક બાબતો આપણે સ્વિકારી શકીએ છીએ.

મોદી માટે 2019માં પડકાર છે અને નથી...

2019માં આવી રહેલી દેશની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન મોદી માટે પડકાર છે અને નથી. જો મહાગઠબંધન સફળ થાય તો પડકાર છે અને વિખરાઇ જાય તો પડકાર નથી. પેટાચૂંટણીઓમાં વિપક્ષોનું હલ્લાબોલ સફળ થશે કે તેમ તે શંકા ઉપડાવે છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષો એક થઇ શકે છે પરંતુ તેઓ વડાપ્રધાન તરીકેના કેન્ડિડેટ તરીકે રાહુલ ગાંધીને સ્વિકારવા તૈયાર નથી. વિપક્ષી એકતાના ચાણક્ય શરદ યાદવ, મમતા બેનરજી, માયાવતી, અખિલેશ યાદવ, શરદ પવાર અને ચંન્દ્રાબાબુ નાયડુ છે. આ તમામ પાર્ટીઓ કોંગ્રેસનો સપોર્ટ માગી રહી છે પરંતુ સત્તાની કમાન કોંગ્રેસને સોંપવા માટે તૈયાર નથી. વિપક્ષોનું આ વાવાઝોડું મોદીને હીટ કરે છે કે વિખરાઇ જાય છે તે ડિસેમ્બરના અંતે ખબર પડી શકે છે, કારણ કે આ સમયે લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવશે. એનડીએની સ્થાપના અટલ બિહારી વાજપેયીએ 1998માં કરી હતી. હાલ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએમાં કુલ નાની મોટી મળીને 47 પાર્ટીઓ છે જે પૈકી એકમાત્ર શિવસેના મોટી પાર્ટી છે જેના કુલ 18 સભ્યો છે. બાકીની પાર્ટીઓ તો માત્ર નામની જ છે. કોંગ્રેસ પ્રેરિત યુપીએ તો 2014ની ચૂંટણી પછી નામશેષ થયેલું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હાલ સંપર્ક સે સમર્થન તક ની યાત્રાએ છે ત્યારે તેઓ એનડીએના ગઢને મજબૂત કરવામાં લાગ્યા છે અને તેઓ શિવસેનાને બાકાત કરતાં મોટી પાર્ટીની શોધમાં છે કારણ કે શિવસેનાનું 2019માં એનડીએ સાથે જોડાવાનું કોઇ ઠેકાણું હમણાં તો દેખાતું નથી.

સાવધાન... ટેકનોલોજી બદલાઇ રહી છે...

કોઇપણ ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુ ખરીદતાં પહેલાં તકેદારી રાખવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને ટીવી અને મોબાઇલમાં ટેક્નોલોજીમાં છ મહિને નવો ચેન્જ આવે છે અને કંપનીઓ તેના ગ્રાહકોને અપગ્રેડ કરવા લલચાવે છે. મોબાઇલ ફોન અને ટીવીમાં કંપનીઓની મોનોપોલી તૂટી રહી છે. ગ્રાહકોને સસ્તા ભાવમાં ઉચ્ચ ટેકનોલોજી મળી રહી છે. હાલ કેબલ ટીવીમાં ગ્રાહકો મહિને 300 થી 500 રૂપિયા ચૂકવી રહ્યાં છે ત્યારે ભારત સરકારનું ટેલિકોમ મંત્રાલય સસ્તી કિંમતે ઇન્ટરનેટ સેવા આપવાની ફિરાકમાં છે. દેશના 10 કરોડ પરિવારોને ઘરમાં અત્યંત સસ્તી ઇન્ટરનેટ સેવા આપીને બજાર સર કરવા કેન્દ્ર સરકાર મથી રહી છે. દેશમાં 93 ટકા લોકો ઇન્ટરનેટ વાયરલેસ એટલે કે વાઇફાઇનો ઉપયોગ કરે છે જ્યારે માત્ર 7 ટકા લોકો બ્રોડબેન્ડના સહારે છે. ટેલિકોમ મંત્રાલય બે મહિનામાં કેબલ ટીવી લાઇન મારફતે 10 કરોડથી વધારે પરિવારોને ઇન્ટરનેટ સુવિધા આપવા માગે છે. આ સર્વિસના કારણે કેબલ પાથરવામાં થતો ખર્ચ, બ્રોડબેન્ડ સ્થાપના તેમજ ઓપરેટીંગનો ખર્ચ બચી જશે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. આશ્ચર્યની બાબત એવી છે કે કોઇપણ વધારાની વ્યવસ્થા વિના આ પરિવારો ઇન્ટરનેટના માધ્યમથી ટીવીની ચેનલો સાથે જોડાઇ જશે. ટીવીમાં ચેનલોની કિંમતની દુનિયામાં આ સૌથી મોટો ખળભળાટ હશે.

મોદીના અધુરાં પ્રોજેક્ટ્સ ફાસ્ટટ્રેક પર આવશે...

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે નવી યોજનાઓ શરૂ કરી હતી તેને પૂર્ણ કરવાની જવાબદારી હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવી છે. તેમણે 2019 સુધીમાં પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ કરી કલ્પસર યોજનાનું કામ હાથ પર લેવાનું છે. એ પછી અમદાવાદની મેટ્રોને ગાંધીનગર સુધી લંબાવવાનું તેમજ ગાંધીનગરના રેલ્વેસ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલને પૂર્ણ કરવામાં સહયોગ આપવાનો છે. પંચામૃત ભવન બનાવવાનું કામ પણ થોડાં સમય પછી તેઓ હાથ પર લઇ શકે છે. આ યોજનાને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રદબાતલ ઠેરવી હતી. મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરને પ્રેરણા અને સચિવાલય તેમજ વિધાનસભાને પુરૂષાર્થ અને પંચામૃત ભવનને પરિણામ સમાન ગણ્યું હતું. આ ત્રિકોણનો એક ખૂણો પૂરવાનો બાકી છે. રૂપાણીએ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવાનું છે અને ગિફ્ટ તેમજ ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ પણ કરવાનો છે. કામ ઘણાં છે પરંતુ સરકાર પાસે સમય ઓછો છે તેથી આ તમામ પ્રોજેક્ટ્સ ફાસ્ટટ્રેક પર મૂકાય તો નવાઇ નહીં.

લોકસભામાં કોણ રિપીટ થશે અને કોણ જશે...

ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી ક્યા વર્તમાન સંસદસભ્યને ટીકીટ મળશે અને કોણ કપાશે તેની ચર્ચા સચિવાલય તેમજ પાર્ટી ઓફિસમાં થવા લાગી છે. સંસદસભ્ય લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરની બેઠક જોખમી છે. દાહોદની બેઠક પરથી જસવંતસિંહ ભાભોર નિશ્ચિત છે. વડોદરામાં રંજનભટ્ટનું પત્તુ કપાય તેવી સંભાવના છે. હરિભાઇ ચૌધરીની બનાસકાંઠા અને સાબરકાંઠાના દિપસિંહ રાઠોડની બેઠક સેફ છે. દેવુસિંહ ચૌહાણની ખેડા બેઠક સેફ છે પરંતુ પ્રભાતસિંહ ચૌહાણની પંચમહાલ બેઠક ખતરામાં છે. વિનોદ ચાવડાની કચ્છ બેઠક તેમજ રાજેશ ચુડાસમાની જૂનાગઢ બેઠક ખતરામાં છે. દેવજી ફતેપરાનું પત્તુ સુરેન્દ્રનગરમાંથી કપાય તેવી ઉજળી સંભાવના છે. પાટણમાંથી લીલાધર વાધેલાને તેમજ મહેસાણામાંથી જયશ્રી પટેલને ટીકીટ મળવાના ઓછા ચાન્સ છે. અમદાવાદ પશ્ચિમના કિરીટ સોલંકીની બાદબાકી થાય તેમ છે જ્યારે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલની ટીકીટ કન્ફર્મ છે. રાજકોટના મોહન કુંડારિયા ફીટ છે તો પોરબંદરના વિઠ્ઠલ રાદડિયા અનફિટ છે. જામનગરના પુનમ માડમ, ભરૂચના મનસુખ વસાવા, નવસારીના સી.આર.પાટીલ અને વલસાડના કે.સી.પટેલ ફીટ છે, તો ભાવનગરના ભારતીબેન શિયાળ અને છોટાઉદેપુરના રામસિંહ રાઠવા અનફીટ છે. બારડોલીના પરભુભાઇ વસાવા, સુરતના દર્શના જરદોશ, આણંદના દિલીપ પટેલ તેમજ અમરેલીના નારણ કાછડિયાના 50 ટકા ચાન્સ છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:42 am IST)