Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હવે કેબલ ટીવી મારફત 10 કરોડ પરિવારને મળશે સસ્તી ઇન્ટરનેટ સેવા

ટ્રાઇની આ ભલામણ પર ટેલિકોમ મંત્રાલયમાં ચર્ચા અંતિમ તબક્કામાં

નવી દિલ્હી ;કેન્દ્ર સરકાર કેબલ ટીવી મારફતે 10 કરોડથી વધારે પરિવારોને સસ્તી ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. ટેલિકોમ નિયામક ટ્રાઇની આ ભલામણ પર ટેલિકોમ મંત્રાલયમાં ચર્ચા અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ પગલાંથી વધારે સ્પીડનુ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ માધ્યમ વગર કોઇ પણ વધારાના ખર્ચ સિવાય સામાન્ય લોકો સુધી પહોંચશે. જેના અમલ બાદ ધીમા અને મોંઘા ડેટા ચલણ પર અંકુશ આવશે.
  વર્તમાન સમયમાં દેશમાં 93 ટકા લોકો ઇન્ટરનેટ વાયરલેસ એટલે કે વાઇ-ફાઇનો ઉપયોગ કરે છે જ્યારે માત્ર 7% લોકો બ્રોડબેન્ડ એટલે કે વાયરોના માધ્યમથી આ સેવા મેળવે છે. સમગ્ર વિશ્વમાં બ્રોડબેન્ડનો આટલો ખરાબ દર અન્ય કોઇ દેશમાં નથી.
   ટ્રાઇના ચેરમને આર એસ શર્માએ કહ્યુ છે કે આશા છે કે ટેલિકોમ મંત્રાલય આગામી બે મહિનાની અંદર કેબલ ટીવી લાઇન મારફતે 10 કરોડથી વધારે પરિવારોને ઇન્ટરનેટ સેવા આપવાની મંજૂરી આપી દેશે. કારણ કે આ યોજનાથી લોકોને ઝડપી અને સારી ઇન્ટરનેટ સેવા મળશે. ટ્રાઇની ભલામણો માનવાથી ત્રણ સ્તરે ખર્ચ બચશે. પ્રથમ કેબલ પાથરવામાં, બીજુ બ્રોડબેન્ડ સ્થાપિત કરવામાં અને ત્રીજુ ઓપરેટિંગનો, જેનો સીધો લાભ ગ્રાહકોને થશે. શર્માએ કહ્યુ હતુ કે વાઇ-ફાઇ ઇન્ટરનેટ સેવાની પોતાની મર્યાદા છે.

દેશમાં 93% લોકો દ્વારા ઉપયોગ કરવાના પરિણામે તેમને ઓછી સ્પીડ અને અન્ય બાબતોની ફરિયાદ રહે છે. જ્યારે સમગ્ર વિશ્વમાં સરેરાશ 46$ લોકો ફિક્સ લાઇન ઇન્ટરનેટ એટલે કે બ્રોડબેંડ અને 54% લોકો વાયરલેસનો ઉપયોગ કરે છે. કેબલ ટીવી મારફતે લોકોને સારી ઇન્ટરનેટ સેવા મળી શક્શે અને ફિક્સ લાઇન ઇન્ટરનેટનો વ્યાપ પણ વધશે. આ ઉપરાંત ક્ષેત્રીય કેબલ ઓપરેટરની આવક પણ વધશે, ટેકનોલોજી ક્ષેત્રનાલોકોને રોજગાર મળશે અને સારી ડેટા સ્પીડ માટે આમથી તેમ ફરવુ નહી પડે.

(12:00 am IST)