Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જીવ બચાવવા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ : રસીકરણ માટે યંગસ્ટર ખેલી રહ્યા છે કૌન બનેગા વેક્સિનેશનપતિ

કેટલાક ટેક્નિકલ ગુરુઓએ અલગ એપ ખોલી દીધી :વૅક્સિનનો સ્લોટ બૂક કરાવવા મથામણ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર કહેર બનીને તૂટી પડી છે.રોજ નવા કેસમાં વધારો થઇ રહયો છે મરણનો આંકડો પણ સતત વધી રહ્યાં છે. કોરોનાથી બચવા માટે હાલ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન અને રસીકરણ મુખ્ય હથિયાર છે. એક તરફ દેશમાં જેમ-જેમ કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે, તેમ-તેમ લોકો વૅક્સિન લેવા માટે આગળ આવી રહ્યાં છે. બીજી તરફ માંગ પ્રમાણે સપ્લાય ના હોવાથી લોકોને વૅક્સિનેશન સેન્ટર પરથી વીલામોંઢે પાછા ફરવું પડી રહ્યું છે.

 દેશના લોકો આજકાલ સવાર-સાંજ પોતાના સ્માર્ટફોન કે લેપટોપ ઉઠાવીને એક નવી રમત રમી રહ્યાં છે. જેનું નામ છે, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. એટલે કે, સૌથી ઝડપથી જેના આંગળા ચાલશે, તેને રમવાની તક મળશે. આ રમતમાં પહેલાથી જ નક્કી છે કે, મોટાભાગના લોકોને હારનો જ સ્વાદ ચાખવા મળશે. જ્યારે જે લોકો આ રમતમાં જીત હાંસલ કરે છે, તેઓ જાણે વિશ્વકપ જીત્યા હોય તેમ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરે છે.

કેટલાક ટેક્નિકલ ગુરુઓએ આ ખેલમાં જીત મેળવવા માટે પોતાની અલગ એપ ખોલી દીધી છે. ટેલિગ્રામથી લઈને વ્હોટ્સઅપમાં પણ તમને જીતાડવા માટે નોટિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ  તમામ માથાકૂટ વૅક્સિનનો સ્લોટ બૂક કરાવવા માટે થઈ રહી છે.

કોરોના મહામારીની બીજી લહેર તબાહી મચાવી રહી છે, ત્યારે આ વાઈરસ સામે લડાઈમાં રામબાણ મનાતી વૅક્સિન મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. જો તમારી પાસે સ્માર્ટફોન કે કોમ્પ્યુટર નથી, તો તમારે પણ વૅક્સિન મેળવવા માટે લાંબો સમય સુધી રાહ જોવી પડશે.

અગાઉ 9મીં મેના રોજ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારનો ઉધડો લેતા વૅક્સિન પૉલિસી પર પુન:વિચાર કરવા માટે કહ્યું હતું. ગત 5 એપ્રિલે સમગ્ર દેશમાં એક જ દિવસમાં 43 લાખ લોકોને વૅક્સિન આપવામાં આવી હતી. જેની સરખામણીમાં 9મીં મેના રોજ દેશભરમાં 20 લાખ લોકોને જ કોરોના વિરોધી રસી અપાઈ હતી. આ દિવસે દિલ્હી સરકારે કહ્યું હતું કે, તેમની પાસે હવે માત્ર 3-4 દિવસ ચાલે તેટલો જ વૅક્સિનનો સ્ટોક બચ્યો છે.

જાન્યુઆરી-2021માં જ્યારે વિશ્વના કેટલાક ધનિક દેશોએ પોતાની વસ્તીની સરખામણીમાં બે થી ત્રણ ગણા વૅક્સિનના ડોઝ બૂક કરી લીધા હતા. જ્યારે ભારતે પોતાની 140 કરોડની વસ્તી માટે માત્ર 1.5 કરોડ વૅક્સિન ડોઝનો ઓર્ડર આપ્યો હતો.

 

પહેલી મેથી જ્યારે 18 થી 44 વયજૂથના લોકો માટે વૅક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દેશમાં વયજૂથની 59 કરોડની વસ્તી સામે આપણે સીરમ ઈન્સ્ટીટ્યૂટને 21 કરોડ અને ભારત બાયોટેકને 7 કરોડ વૅક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો હતો. આટલા ડોઝથી વધુમાં વધુ 14 કરોડ લોકોને જ વૅક્સિન આપી શકાય તેમ છે. આ પણ ત્યારે જ શક્ય બને, જ્યારે વૅક્સિનનો વેસ્ટેજ ના થાય. જેમાંથી સીરમે 11 કરોડ અને ભારત બાયોટેક દ્વારા 5 કરોડ ડોઝનો ઓર્ડર 28 એપ્રિલે આપી દીધો હતો.a Vaccination Policy
ઉલ્લેખનીય છે કે, ભારતમાં વૅક્સિનેશન શરૂ થયાને 5 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. ભારત સરકાર પોતાની બેવડી કિંમત અને ખરીદીની પૉલિસી અંતર્ગત ઉત્પાદક પાસેથી વૅક્સિનના 50 ટકા ડોઝ ખરીદશે. જ્યારે બાકીની વૅક્સિનના ડોઝને દેશના તમામ રાજ્યો અને કોર્પોરેટ હોસ્પિટલો વચ્ચે વિતરિત કરવામાં આવશે.

જેના કારણે અત્યાર સુધી ભારતમાં માત્ર 2 ટકા વસ્તીને જ કોરોના વિરોધી રસીના બન્ને ડોઝ અપાઈ શક્યા છે, જ્યારે 11 ટકા વસ્તીએ જ વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.  Policy
અર્થશાસ્ત્રીઓના મતે, ભારત પાસે ભરપુર ફૉરેક્સ રિઝર્વ છે. ઈન્ડિયા રેટિંગના રિસર્ચ મુજબ, સરકાર GDPના માત્ર 0.36 ટકા લગાવીને પોતાની 18થી વધુ વયજૂથની વસ્તીને વૅક્સિન લગાવી શકે છે.

એક જ કંપનીની વૅક્સિન માટે કેન્દ્ર અને રાજ્ય માટે અલગ-અલગ કિંમત હોવાની સરકારની નીતિના કારણે સપ્લાયમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ સાથે જ વૅક્સિન બનાવનારી કંપનીઓ પર છોડી દેવામાં આવ્યું છે કે, તેઓ પોતાની પ્રાથમિક્તા નક્કી કરે.

ભારત સરકારે બજેટમાં 35 હજાર કરોડ રૂપિયાનું ફંડ વૅક્સિનેશન માટે ફાળવેલું હતું. સરકાર આ ફંડનો પણ યોગ્ય ઉપયોગ કરીને દેશની લગભગ 100 કરોડની વસ્તીને વૅક્સિન આપી શકે તેમ હતી. જો સરકાર પોતાની કેશ રિઝર્વનો ઉપયોગ કરતીને વૅક્સિનના મોટા ઓર્ડર આપતી તો આવી સ્થિતિના ઉભી થાત જે હાલ સર્જાઈ છે.

“કોવેક્સિન”ને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીએ મળીને બનાવી છે. આ માટે તેનું લાઈસન્સ દેશના અન્ય વૅક્સિન ઉત્પાદકને પણ આપવું જોઈતું હતું. જેથી દેશમાં ઝડપથી વૅક્સિનનું નિર્માણ થાય. જો કે ખાટલે મોટી ખોડ એ છે કે, ભારત ખુદ આ પ્રકારની નીતિનું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં સમર્થન કરે છે.

ભારતે વૅક્સિન ઉત્પાદકોને છૂટક-છૂટક ઓર્ડર આપવાની જગ્યાએ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેમ હતું. ભારત પોતાની વૅક્સિન મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવા પર પણ કામ કરી શકે તેમ હતું. આટલું જ નહી, ભારત પોતાના ભૂતકાળના વૅક્સિનેશન અભિયાન જેમ કે પોલિયો નાબૂદી વગેરેના અનુભવોનો પણ ઉપયોગ કરી શકતું હતું. આ સિવાય કોરોના મહામારીને કાબૂમાં કરવા અને વૅક્સિન પોલિસી માટે પબ્લિક હેલ્થ એક્સપર્ટની ક્ષમતાનો ઉપયોગ કરી શકતું હતું.

(8:12 pm IST)