Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મ.પ્ર.ની હોસ્પિટલમાં બનાવટી રેમડેસિવિરથી ઘણાના જીવ ગયા

કોરોનામાં રોગચાળો બન્યો કમાણી કરવાનું સાધન : જબલપુરની સિટી હોસ્પિટલમાં એપ્રિલના અંતિમ સપ્તાહમાં ઈન્દોરથી ૫૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન મંગાવાયા હતા

ઈન્દોર, તા. ૧૧ : કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લોકો માટે રોગચાળો પણ કમાણી કરવાનુ સાધન બની ગયો છે.રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે હવે નકલી ઈન્જેક્શન વેચનારી ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે.

આવા એક કિસ્સામાં તો નકલી ઈન્જેક્શન વેચાયા બાદ હોસ્પિટલમાં દર્દીઓ પર તેનો ઉપયોગ કરાયો હતો અને તેના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવા પડયા છે.મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના જબલપુરમાં આવેલી સિટી હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર થઈ રહી છે. હોસ્પિટલમાં એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ઈન્દોરથી ૫૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન મંગાવાયા હતા.જે કોરોનાના દર્દીઓેને અપાયા હતા.

ઈન્જેક્શન હોસ્પિટલના સંચાલક સરબજીત સિંહ મોખાએ મંગાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત પોલીસે નકલી ઈન્જેક્શન સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.જેમાં સામેલ સપન જૈન નામના વ્યક્તિઓ પોલીસ પૂછપરછમાં હોસ્પિટલના સંચાલક સરબજીતસિંહનુ નામ પણ લીધુ હતુ.સરબજીતે નકલી ઈન્જેક્શન પોતાની હોસ્પિટલ માટે મંગાવ્યા હતા.૫૦૦ જેટલા ઈન્જેક્શન દર્દીઓે અપાયા હતા અને તેના કારણે ઘણા દર્દીઓએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે.

હવે હોસ્પિટલ સંચાલક સહિત ચારની ધરપકડ કરાઈ છે.પોલીસ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે, ૫૦૦ ઈન્જેક્શન મંગાવાયા હતા કે તેના કરતા વધારે.

આરોપી સરબજીત સિંહ વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાનિક અધ્યક્ષ પણ છે.નકલી ઈન્જેક્શન રેકેટમાં નામ આવ્યા બાદ સરબજીતને અધ્યક્ષપદેથી હટાવી દેવાયો છે.

(7:59 pm IST)