Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રિક્ષાને બનાવી એમ્બ્યુલન્સઃ કોરોના દર્દીઓને મફતમાં પહોંચાડે છે હોસ્પિટલ

ફરીદાબાદઃ કોરોના મહામારીના સમયમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સંચાલકો મનફાવે એવા ભાવ વસૂલવાના સમાચારો સામે આવી રહ્યા છે. આ સમાચારો દરમિયાન ડ્રીમ ઇન્ડિયા ટૂ એજયૂકેટ ઈન્ડિયા એનજીઓએ રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવીને નિશુલ્ક સેવા શરૂ કરી છે. આ ઓટોરિક્ષા એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને ઘરથી હોસ્પિટલ સુધી લઈ જવા અને હોસ્પિટલથી દ્યર પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. રોજ જરૂરિયાતવાળા લોકોના ડઝનબંધ ફોન કોલ આવી રહ્યા છે.

આ ઓટો એમ્બ્યુલન્સને કોવિડ દર્દીઓને લાવવા-લઈ જવા માટે ડ્રીમ ઇન્ડિયા ટૂ એજયૂકેટ ઈન્ડિયા એનજીઓ દ્વારા સ્પેશલ રીતે તૈયાર કરવામાં આવી છે. જેની પર પીપીઇ કિટ પહેરીને ડ્રાઇવર પણ તૈનાત કરવામાં આવ્યા છે. જે ફોન આવતાં જે-તે સરનામે પહોંચી એમ્યુલન્સની ફ્રી સેવા આપે છે. એનજીઓ દ્વારા હાલ પ્રયોગ તરીકે એક ઓટો એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી છે, જેને બાદમાં વધારવામાં આવશે.

ડ્રીમ ઇન્ડિયા ટૂ એજયૂકેટ ઈન્ડિયા એનજીઓના કાર્યકર્તા રુતુ અરોરાએ જણાવ્યું કે મહામારી પહેલા તે બાળકોને ભણાવી રહ્યા હતાં અને મહિલાઓના રોજગારને લઈ કામ કરી રહ્યાં હતાં. પરંતુ મહામારીના સમયમાં અમે સક્ષમ લોકો અને હોસ્પિટલોની સાથે મળી બ્લડ પ્લાઝમા ઓકિસજન અને બેડ વગેરે માટે અમારી સેવાઓ આપવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ડ્રાય રેશન જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું.

રુતુ અરોરાએ વધુમાં જણાવ્યું કે, અમે જોયું કે સંક્રમિત દર્દીઓને લાવવા-લઈ જવા માટે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સંચાલકો મોં માંગ્યા ભાવ વસૂલી રહ્યા છે. ત્યારે અમે વિચાર્યું કે આના પર કામ કરવું જોઈએ. આ વિચાર સાથે અમે રિક્ષાને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી અને સત્ય પ્રકાશને તેના ચલાવવાની જવાબદારી આપી. જેને અમારી સંસ્થા પગાર આપે છે.તેઓએ જણાવ્યું કે, એક દિવસમાં તેમની પાસે ૩૦થી ૩૫ ફોન આવે છે. પરંતુ સમગ્ર દિવસમાં તેઓ માત્ર ૬-૭ ફોન જ અટેન્ડ કરી શકે છે. કારણ કે અનેકવાર ઘણું દૂર પણ જવું પડે છે. તેમણે જણાવ્યું કે હાલ મિડનાઇટ બાદના ફોન અટેન્ડ નથી કરી શકતા. પરંતુ આવનારા સમયમાં રાત્રે પણ સેવા આપવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ.

(3:50 pm IST)