Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કાલથી બે દિવસ દેશના અનેક ભાગોમાં વરસાદ

દિલ્હી, મધ્ય મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં આગાહી : જમીની વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ તો પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પડશે

નવી દિલ્હીઃ દેશભરમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહયો છે. કયાંક વરસાદ તો કયાંક વંટોળીયો જેવા પવન ફુંકાવાની સાથે વરસાદ પડે છે. બદલાયેલા વાતાવરણના પગલે ગરમીથી ઝઝુમી રહેલા ઉત્તર ભારતમાં રાહત મળી છે. દિલ્હીમાં વાદળોની આવન-જાવન જારી છે. દિલ્હીમાં  તા. ૧૨, ૧૩,૧૪ (બુધ-ગુરૂ-શુક્ર) ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે તો ઉત્તરપ્રદેશ, હરીયાણા સહિતના રાજયોમાં વરસાદ પડી શકે છે જયારે પહાડી વિસ્તારોમાં વરસાદ-બરફવર્ષા પડશે.

કેરળ, કર્ણાટકના દરીયાઇ વિસ્તારો, પ.બંગાળના અમુક ભાગ, સિકિકમ, ઓડીસ્સા, અંદામાન નિકોબાર દ્વીપ સમુહમાં એક-બે જગ્યાએ હળવાથી મધ્યમ તો એકાદ બે જગ્યાએ ભારે વરસાદ પડશે. જમ્મુ કાશ્મીર, ગિલગિટ, બાલ્ટીસ્તાન, મુઝફરાબાદ, ઝારખંડના અમુક ભાગો તેમજ મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

ઉત્તરાખંડમાં ૧૩મી મે સુધી વરસાદ બરફવર્ષાની યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે. જયારે દહેરાદુનમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર  વરસાદ પડયો. અમુક જગ્યાએ બરફના કરા પણ પડયા હતા. હવામાન વિભાગે કહ્યું કે દહેરાદુન સહિત અન્ય જીલ્લાઓમાં વરસાદ, કરાનો યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. તોફાની પવન પણ ફુંકાશે. પહાડી વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તા.૧૨,૧૩ના ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, અલ્મોડા, બાગેશ્વર, નૈનીતાલમાં ભારે વરસાદ અથવા બરફવર્ષાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે જયારે રાજસ્થાનમાં પણ અનેક જીલ્લાઓમાં આગામી ત્રણેક દિવસ તોફાની પવન સાથે કરા સાથેનો વરસાદ પડશે.

(3:47 pm IST)