Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઓહોહો.... આગ્રાના બે ગામમાં ૨૦ દિવસમાં ૬૪ લોકોના મોત

તમામને તાવ આવ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થઇ અને મોત નિપજયાઃ આઇસોલેશન સેન્ટરમાં પણ કોઇ જાતની સુવિધાઓ નથીઃ બંને ગામોમાં હાહાકાર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં કોરોનાથી લોકોનો મરવાનો સિલસિલો યથાવત છે. આગ્રાના બે ગામડાઓમાં પાછલા ૨૦ દિવસથી ૬૪ લોકોના મોત થઈ ગયા છે. બધાને પહેલા તાવ આવ્યો પછી શ્વાંસ લેવામાં મુશ્કેલી આવી અને મોત થઈ ગયું. બે ગામડાઓમાં ૬૪ લોકોના મોત પછી સ્વાસ્થ્ય તંત્ર હરકતમાં આવ્યું અને ૧૦૦ લોકોની કોરોના તપાસ કરાવવામાં આવી, જેમાંથી ૨૭ પોઝિટિવ નિકળ્યા.

આગ્રાથી લગભગ ૪૦ કિલોમીટર દૂર એત્માદપુરનો કુરગવાં ગામ આવેલું છે. અહીં પાછલા ૨૦ દિવસમાં ૧૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્થાનિકો અનુસાર, આ મોત ખાંસી-તાવ અને શ્વાંસ લેવામાં તકલીફના કારણે થયા છે. હાલમાં જ આ ગામમાં કોરોનાની તપાસ થઈ, લગભગ ૧૦૦ સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ૨૭ લોકો કોરોના પોઝિટિવ નિકળતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમને કુરગવાંની પ્રાથમિક શાળામાં બનેલા આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ આઈસોલેશન સેન્ટરમાં કોઈપણ રીતની સુવિધા નથી.

તે ઉપરાંત આગ્રાનો વધુ એક ગામ સૌથી વધારે પ્રભાવિત છે. આ ગામનું નામ છે બમરોલી કટારા. લગભગ ૪૦ હજારની આબાદીવાળા આ ગામના પ્રધાન અનુસાર, અત્યાર સુધી અહીં ૫૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. સરપંચનું કહેવું છે કે, લોકોની તબિયત બગડી છે, તેથી તેમને શ્વાંસ લેવામાં મુશ્કેલી થાય છે અને થોડી વારમાં મોત થઈ જાય છે.

(12:50 pm IST)