Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સ્પેનમાં છ મહિના બાદ સમાપ્ત થયું કોરોના લોકડાઉનઃ દારૂ, ડાન્સ પાર્ટી, કિસ અને ફટાકડાથી સ્વાગત

લોકડાઉન હટ્યા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પાર્ટી કરી : લોકો દારૂનો નશો કરી ડાન્સ કરતા જોવા મળ્યા

મેડ્રિડ,તા.૧૧: કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રહેલા સ્પેનમાં છેલ્લા છ મહિનાથી રાતના સમયે ચાલી રહેલા કોરોના વાયરસ લોકડાઉન ને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. દેશમાં લોકડાઉન ખતમ થવાની જાહેરાત બાદ લોકો જશ્નના મૂડમાં આવી ગયા. સ્પેનના રસ્તા પર નવા વર્ષના જશ્નની જેમ લોકો માસ્ક વગર રસ્તા પર ઉતરી આવ્યા અને દારૂ, ડાન્સ પાર્ટી, કિસ અને ફટાકડા ફોડી સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ સ્વતંત્રતાના નારા લગાવ્યા અને ખુબ દારૂ પીધો. તો યુવા કપલે જાહેરમાં કિસ કરી પોતાની ખુશી વ્યકત કરી હતી. અત્યાર સુધી જાહેર સ્થળે દારૂ પીવા પર હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો. જાણવા મળ્યું કે, આ દરમિયાન પાર્ટી કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તાજા નિયમ પ્રમણે રાત્રે ૧૧ કલાકથી પ્રતિબંધ યથાવત છે અને ત્યારબાદ ભેગા થવાની મંજૂરી નથી.

જાણવા મળી રહ્યું છે કે સ્પેનના બે મોટા શહેરો બાર્સિલોના અને મેડ્રિડમાં યુવાઓએ ખુબ પાર્ટી કરી. આ દરમિયાન નાગરિકોના માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગ પર ધ્યાન ન આપતા નિષ્ણાંતો ભડકી ગયા છે. આવા વ્યવહાર પર એક મુખ્ય નિષ્ણાંતે ચેતવણી આપી કે મહામારીને ગંભીરતાથી ન લેવી ભારે પડી શકે છે કારણ કે તે હજુ સમાપ્ત થઈ નથી.

હજુ ઘણા લોકો સંક્રમિત છે, જે વાયરસ ફેલાવી શકે છે. તેમણે કહ્યું કે, વધુ સંપર્ક વાળા લોકો વધુ સંક્રમણનું કારણ બની શકે છે. દેશભરમાં રાત્રી કર્ફયુ સહિત, રવિવારે રાતથી મોટાભાગના પ્રતિબંધો સમાપ્ત થઈ ગયા. હજુ કેટલીક જગ્યાએ પ્રતિબંધ લાગૂ છે. સ્પેનની વામપંથી સરકારે પણ સાવધાની રાખવાનો આગ્રહ કર્યો છે. ઉપપ્રધાન મંત્રી કારમેન કેલ્વોએ શનિવારે કહ્યુ કે, મહામારી હજુ સમાપ્ત થઈ નથી.

(11:12 am IST)