Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મહારાષ્ટ્રના રાજ્યમંત્રી આદિત્ય ઠાકરેનો દાવો

જો વિદેશથી રસી મંગાવવાની મંજુરી મળે તો માત્ર ૩ સપ્તાહમાં સમગ્ર મુંબઇને આપી દેશુ

મુંબઇ,તા.૧૧: કોરોના સામે લડવા માટે દેશમાં વેકસીનેશન થઈ રહ્યું છે અને અનેક દેશને વેકસીનની અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ સમયે મહારાષ્ટ્રના રાજય મંત્રી અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનું કહેવું છે કે તેઓ વિદેશથી વેકસીન ખરીદવા ઇચ્છે છે અને સાથે તેઓએ દાવો કર્યો છે કે જો તેમને પરમિશન મળશે તો તેઓ ફકત ૩ અઠવાડિયામાં મુંબઈના તમામ લોકોને વેકસીન આપી શકશે.

આ સાથે તેઓએ એક ટ્વિટ કરી છે. જેમાં કહ્યું છે કે અમે વિદેશથી વેકસીન ખરીદવાનું વિચારી રહ્યા છીએ. જો આ શકય બનશે તો અનેક ચીજો બદલાઈ જશે. અમે મુંબઈમાં વેકસીન લગાવવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. અને તેના આધારે વેકસીનેશનનું કામ ફકત ૩ અઠવાડિયામાં મુંબઈમાં પૂરું કરી શકાશે. 

આદિત્ય ઠાકરેએ કહ્યું કે વેકસીનને લઈને લોકોનો ડર ખતમ થયો છે. દરેક લોકો વેકસીન લગાવીને આરામની જિંદગી જીવવા ઈચ્છે છે. તેઓએ કહ્યું કે વિદેશથી વેકસીન ખરીદવાને લઈને આખો પ્લાન તૈયાર છે. મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરથી સૌથી વધારે પ્રભાવિત છે. હાલમાં મુંબઈમાં કેસ ઘટતાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે ગઇ કાલે કહ્યું કે ૧,૮૦,૮૮,૦૪૨ થી વધારે લોકોને વેકસીનનો ડોઝ મળ્યો છે. રવિવારે અહીં ૧,૧૦,૪૪૮ ડોઝ અપાયા હતા. તો ૧ મેના રોજ પણ ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેકસીનેશન શરૂ કરાયું હતું. ૧૧ દિવસમાં આ  ઉંમરના ૪,૩૬,૩૦૨ લોકોને વેકસીન અપાઈ છે.

(11:11 am IST)