Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કંડલા-મુંદ્રા બંદરે ખાદ્યતેલનો જંગી જથ્થો કલીયરન્સના વાંકે અટવાયો

ખાદ્યતેલના ભાવોમાં ટૂંક સમયમાં ઘટાડો થવાની સંભાવનાઃ ભાવ વધારાથી ચિંતિત સરકારે કલીયરન્સ ઝડપી બનાવવાના આદેશો આપ્યા : એક વર્ષ દરમિયાન ખાદ્યતેલોના ભાવમાં ૫૫.૫૫ ટકાનો વધારો થયો છેઃ ખાદ્યતેલનો જંગી જથ્થો બજારમાં આવતા જ ભાવો દબાશે

નવી દિલ્હી, તા. ૧૧ :. કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના છૂટક ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થશે તેવી આશા વ્યકત કરી છે. સરકારનું કહેવુ છે કે આયાતીત ખાદ્યતેલની મોટી ખેપ અનેક બંદરો પર વિવિધ સ્વીકૃતિઓની રાહમાં અટકી પડી છે. બંદરોથી આ ખેપ બજારમાં આવ્યા બાદ ખાદ્યતેલોના ભાવમા ઘટાડો થાય તેવી શકયતા છે. ગુજરાતના કંડલા અને મુંદ્રા બંદરે ખાદ્યતેલનો જંગી જથ્થો કલીયરન્સના વાંકે અટવાયો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષ દરમિયાન ખાદ્યતેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. વનસ્પતી તેલ હોય કે સીંગતેલ હોય કે પછી સોયાબીન કે સરસવ હોય બધાના ભાવો ઉંચકાયા છે.  એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ૫૫.૫૫ ટકાનો વધારો નોંધાયો છે.

ખાદ્ય સચિવ સુધાંસુ પાંડેનુ કહેવુ છે કે સરકાર ખાદ્યતેલના ભાવ પર ચાંપતી નજર રાખી રહી છે. ખાદ્યતેલના ભાવને કાબુમાં લેવા સરકાર હરસંભવ પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યુ છે કે ખાદ્યતેલની મોટી ખેપ કંડલા અને મુંદ્રા બંદર પર અટકી પડી છે. જેનુ મુખ્ય કારણ એ છે કે કોરોના સંક્રમણને કારણે બંદરગાહો પર કલીયરન્સ આપતા પહેલા અનેક જરૂરી પરિક્ષણ કરવાના બાકી છે કે જે ખાદ્ય વસ્તુઓ માટેના માપદંડમાં સામેલ છે.

તેમનુ કહેવુ છે કે સરકારે કસ્ટમ વિભાગના અધિકારીઓ અને ફુડ સેફટીના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી છે અને બંદરો પર પડેલી ખેપને વહેલામાં વહેલી તકે બજાર સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવાયુ છે.

તેમના જણાવ્યા પ્રમાણે ખાદ્યતેલના મામલામાં દેશ ઘણી હદ સુધી આયાત પર નિર્ભર છે. ભારત વર્ષે લગભગ ૭૫૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના ખાદ્યતેલની આયાત કરે છે.

(10:53 am IST)