Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ગોવા સરકારે આપી મંજુરી

કોરોનાનો ખાત્મો કરી શકે છે 'આઇવરમેકિટન' દવાઃ વૈજ્ઞાનિકોનો દાવો : ગોવામાં ૧૮ થી ઉપરનાને અપાશે

આઇવરમેકિટન ૧૨ MG દવાનો ઉપયોગ પાંચ દિવસ સુધી કરવો પડશે

પણજી,તા.૧૧: ગોવા સરકારે સોમવારે કોરોના દર્દીઓની સારવારમાં આઈવરમેકિટન દવાના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. સરકારે ૧૮ વર્ષની ઉપરના બધા સંક્રમિતોને આ દવાના ઉપયોગની મંજૂરી આપી છે. જેનાથી તાવનું સ્વરૂપ ગંભીર થાય નહીં. ઉલ્લેખનીય છે હળવો તાવ આવવો કોરોના સંક્રમણના મુખ્ય લક્ષણોમાં સામેલ છે.

રાજયના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું હતું કે આઇવરમેકિટન દવા બધા હેલ્થ સેન્ટર્સ પર મળશે. આ દવા બધા લોકોએ લેવી જોઈએ પછી તેનામાં કોરોનાના લક્ષણો હોય કે નહીં. અમે આ દવાનો ઉપયોગ પ્રિવેંટિવ કયોર એટલે કે બચાવના રૂપમાં કરી રહ્યા છીએ. સરકારી હેલ્થ સેન્ટર્સ પર બધા દર્દીઓને આ દવા મળશે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આઈવરમેકિટન ૧૨ MG દવાનો ઉપયોગ પાંચ દિવસ સુધી કરવો પડશે. યૂકે, ઇટાલી, સ્પેન અને જાપાનના એકસપર્ટે આ દવાને કોરોના મૃત્યદર ઓછા કરવામાં સફળ માની છે. આ ફકત મૃત્યુદર જ નહીં રિકવરી અને વાયરલ લોડ ઓછો કરવામાં પણ મહત્વનો ફાળો ભજવે છે.

સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે દેશમાં ગોવા પ્રથમ રાજય છે જે કોવિડ-૧૯ની સારવારના પ્રોટોકોલમાં આ દવાને સામેલ કરી રહ્યા છીએ. જોકે આ દવા કોરોના સંક્રિમત થતા અટકાવતી નથી પણ બીમારીને ગંભીર થવાથી બચાવવામાં મદદરૂપ છે. રાજયના બધા લોકોએ કોરોના ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવું જોઈએ.

કેટલાક દિવસો પછી એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે આઈવરમેકિટન દવાનું વૈશ્વિક સ્તર પર ઉપયોગ કોરોના મહામારીનો અંત કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા કોરોનાની સારવારમાં ઘણી કારગર છે. દુનિયાભરમાં ડોકટર અને વૈજ્ઞાનિકો દ્વારા આ દવાને કોરોનાની સારવારમાં ચમત્કારિક દવાના રૂપમાં જોવામાં આવે છે.

(10:53 am IST)