Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ટ્રકોમાં છે લગભગ ૭૫૦ લાશો

ન્યુયોર્ક : ૧ વર્ષથી ટ્રકોમાં રખાયા છે કોરોના દર્દીઓના મૃતદેહોઃ અંતિમવિધી માટેની રાહમાં છે

ટ્રકો લાશો ભરી લાઇનમાં ઉભા છે

ન્યૂયોર્ક તા. ૧૧ : કોરોના વાયરસના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે. સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર માટે લાઈન લાગેલી છે. ત્યારે ગત વર્ષ સંયુકત રાજય અમેરિકાના ન્યૂયોર્ક શહેરના કબ્રસ્તાનોમાં જમીનની અછત પડી ગઈ છે. તેવામાં ન્યૂયોર્ક પ્રસાશને કોરોનાથી મરનારાઓના મૃતદેહોને રેફ્રિજરેટેડ ટ્રકોમાં રાખવાનું શરુ કર્યુ હતુ. દુર્ભાગ્યથી એક વર્ષ બાદ પણ આ રેફ્રિજરેટેડ ટ્રકોમાં રાખવામાં આવેલા મૃતદેહો દફન વિધીની રાહ જઈ રહ્યા છે.

એક સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર એક નગર પરિષદ સ્વાસ્થ્ય સમિતિએ ગત અઠવાડિયે સ્વીકાર્યુ કે બ્રુકલિન વોટરફ્રન્ટના કિનારે પાર્ક કરવામાં આવેલા ટ્રકોની અંદર કોરોનાથી મરનારા લોકોના ૭૫૦ મૃતદેહો રખાયા છે. એક સમાચાર વેબાઈટ્સ અનુસાર અધિકારી હવે આ લાશોની સંખ્યાને ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મોટા ભાગની લાશોને હાર્ટ આઈલેન્ડમાં દફનાવાની યોજના બનાવાઈ રહી છે. હાર્ટ આઈલેન્ડ એક કબ્રસ્તાન છે જે એક માઈલ લાંબુ છે. આ સંયુકત રાજય અમેરિકાનું સૌથી મોટું કબ્રસ્તાન કહેવામાં આવી રહ્યુ છે. આનો ઉપયોગ વર્ષોથી શહેરના ગરીબ અને બિનવારસી લાશોને દફન માટે કરવામાં આવી રહ્યો છે.

મેડિકલ પરિક્ષણ કાર્યાલયના કાર્યકારી ડેપ્યુટી કમિશનર દીના મનિયોટિસે કથિત રીતે સ્વાસ્થ્ય સમિતીને જણાવ્યુ કે તેમનું કાર્યાલય કોવિડ બિમારીથી મરનારા લોકોના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે.  તેમના પરિવારોની પરવાનગી મળતા આ લાશોને હાર્ટ આઈલેન્ડમાં દફન કરવાનું શરૂ થઈ જશે.

(10:52 am IST)