Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ટ્યુમરપિડિત બાળકીને હાર્દિકે પટેલ હેલિકોપ્ટરથી એમ્સ પહોંચાડી

પ્રચાર વેળા પ્રયાગરાજમાં બનેલી ઘટના : પ્રિયંકા ગાંધીની સૂચના બાદ હાર્દિક પટેલ અને મોહમ્મદ અઝહરુદ્દીન બાળકીને હેલિકોપ્ટર દ્વારા દિલ્હી લઈ ગયા

અમદાવાદ,તા.૧૧ : રાયબરેલી ખાતે સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારમાં ગુજરાતના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પહોંચ્યા હતા. જ્યાં પ્રિયંકા ગાંધીએ ટ્યુમરથી પીડાતી બાળકી તાત્કાલિક અસરથી દિલ્હી એઇમ્સમાં ખસેડવા માટેની સૂચના આપતાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ અને મોહમ્મદ અઝહરુદ્દીન બંને નેતાઓએ પોતાના પ્રચાર માટે ખાનગી હેલિકોપ્ટરમાં બાળકીને બેસાડી દિલ્હી એઇમ્સમાં દાખલ કરાવી હતી. હાર્દિકની માનવતા મહેંકાવતા આ કિસ્સાની દેશના રાજકારણમાં નોંધ લેવાઇ હતી. દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રયાગરાજ ખાતે ટ્યુમરથી પીડાતી બાળકીના માતા-પિતાએ દીકરીના ઈલાજ માટે પ્રિયંકા ગાંધીનો સંપર્ક કર્યો હતો. બાળકીનું દર્દ જોઈનું પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયા હતા અને બાળકીને તાત્કાલિક દિલ્હી એઇમ્સ ખાતે દાખલ કરવાની વ્યવસ્થા કરી દીધી હતી. પરંતુ પ્રયાગરાજથી દિલ્હી લઈ જવાનો પ્રશ્ન ઉભો થયો હતો. આ જ સમયે ગુજરાતના કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ અને મોહમ્મદ અઝહરુદ્દીન પ્રયાગરાજમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. જેથી કોંગ્રેસના રાજીવ શુક્લાએ પ્રિયંકા ગાંધીના સૂચનાના પગલે હાર્દિક અને અઝહરુદ્દીને પોતાના હેલિકોપ્ટરમાં દીકરીને દિલ્હી લઈ જવા માટે વાત કરતા બંને નેતાઓ નાનકડી બાળકીને તેમના પ્રચાર હેલિકોપ્ટરમાં બેસાડીને દિલ્હી લઈ ગયા હતા અને ત્યાં એઇમ્સમાં બાળકીને તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી. જ્યાં હાલ તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. દરમ્યાન કોંગ્રેસ પ્રવક્તા જિતેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું કે, બાળકીને તેના માતા-પિતા સાથે દિલ્હી મોકલાયા છે. તેમની સાથે મોહમ્મદ અઝહરુદ્દીન અને હાર્દિક પટેલ પણ હતા. પ્રાઈવેટ હેલિકોપ્ટરમાં છ સીટ હોવાથી રાજીવ શુક્લા ટ્રેન મારફતે દિલ્હી પહોંચ્યા હતા.

(9:20 pm IST)