Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

જાણીતા ઉદ્યોગપતિ અને આઇટીસીના ચેરમેન વાય, સી, દેવેશ્વરનુંનિધન : 72 વર્ષની વયે ગુરુગ્રામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી ;જાણીતા ઉદ્યોગપતિ અને આઇટીસી ચેરમેન વાય. સી. દેવેશ્વરનું ૭૨ વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે દેવેશ્વરે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.


દેવેશ્વર ભારતની પ્રાઇવેટ કંપનીઓમાં મોખરાની એવી આઇટીસીમાં સૌથી લાંબા સમય સુધી ચેરમેન રહેનારી વ્યક્તિ હતા. આઇટીસીની વેબસાઇટ પર અપાયેલ માહિતી મુજબ દેવેશ્વર ૧૯૮૪ની ૧૧મી એપ્રિલે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ પહેલી જાન્યુઆરી ૧૯૯૬થી તેમને બોર્ડના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ બનાવાયા હતા.

  આઈઆઈટી દિલ્હીથી એન્જિનિયરિંગ કરનારા દેવેશ્વરે ૧૯૬૮માં આઈટીસી કંપની જોઇન કરી હતી. આ દરમિયાન ૧૯૯૧થી ૧૯૯૪ સુધી તેઓ એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પણ હતા. બાદમાં ૧૯૯૬માં તેઓ આઇટીસીના ચેરમેન બન્યા હતા 

  ૨૦૧૧માં દેવેશ્વરને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ તરફથી વૈશ્વિક લીડરશિપ પુરસ્કાર પણ એનાયત કરાયો હતો. ૨૦૧૨માં દેવેશ્વર બિઝનેસ લીડર ઓફ ધ યર બન્યા. આ અગાઉ ૨૦૦૬માં તેમને બિઝનેસ પર્સન ઓફ ધ યરનો એવાર્ડ એનાયત કરાયો હતો. તેમનો જન્મ ૧૯૪૭ની ચોથી ફેબ્રુઆરીએ લાહોરમાં થયો હતો

(8:48 pm IST)